ખેલ ખેલ મેં ટેણિયાએ ૧.૪ લાખના ફર્નિચરનો ઑર્ડર આપ્યો

25 January, 2022 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બેસીને ઑર્ડરની ચીજો પર વિચાર કરે એ પહેલાં અયાંશે ઑર્ડર કન્ફર્મ કરી દીધો હતો. 

ખેલ ખેલ મેં ટેણિયાએ ૧.૪ લાખના ફર્નિચરનો ઑર્ડર આપ્યો

માત્ર ૨૨ મહિનાનો અયાંશ કુમાર નામનો ટાબરિયો પોતાનાં ડાયપર્સ ભલે જાતે ન બદલી શકતો હોય, પરંતુ મમ્મીના ફોનનો આડેધડ ઉપયોગ કરી લે છે. આ જ રીતે તેણે એક દિવસ તેની મમ્મીના ફોનમાંથી ઑનલાઇન ૨૦૦૦ ડૉલર (લગભગ ૧.૪ લાખ રૂપિયા)ના ફર્નિચરનો ઑર્ડર મૂક્યો હતો. 
ફર્નિચરનો ઑર્ડર કરવાનું કામ સીધી વાત છે કે તેને સોંપવામાં આવેલું કામ તો નહોતું જ. 
અયાંશની મમ્મી મધુએ તેના ફોનમાં વૉલમાર્ટમાં સર્ફિંગ કરીને ઑર્ડર કરવાની વસ્તુઓ શૉપિંગ કાર્ટમાં મૂકી હતી. ઑર્ડર ફાઇનલ કરતાં પહેલાં તે તેના પતિ સાથે ચર્ચા કરવા માગતી હતી, પણ મમ્મી પપ્પા સાથે બેસીને ઑર્ડરની ચીજો પર વિચાર કરે એ પહેલાં અયાંશે ઑર્ડર કન્ફર્મ કરી દીધો હતો. અયાંશના ઘરમાં જ્યારે એક પછી એક નવા ફર્નિચરનાં બૉક્સ ઊતરવા માંડ્યાં ત્યારે તેમને આ વાતની ખબર પડી હતી. અયાંશની મમ્મીએ જ્યારે તેના ફોનમાં વૉલમાર્ટ અકાઉન્ટ ચેક કર્યું ત્યારે તેમને ખબર પડી કે ખુરસી, ફૂલનું સ્ટૅન્ડ અને અનેક એવી ચીજો ઑર્ડર કરી હતી જે તેમને જોઈતી જ નહોતી. 
જોકે અયાંશના પપ્પાએ આ ઘટના પછી તેમના ફોન માટે ફેસિયલ રેકગ્નિશન અને પાસવર્ડનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દીધી છે.

offbeat news