આ કેવી ડિમાન્ડ! જોઈએ છે એવી પત્ની જેને સોશ્યલ મીડિયાની લત ન હોય

09 October, 2020 06:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ કેવી ડિમાન્ડ! જોઈએ છે એવી પત્ની જેને સોશ્યલ મીડિયાની લત ન હોય

તસવીર સૌજન્ય: ટ્વીટર

ઈન્ટરનેટની ઉપલબ્ધતાને કારણે દરેક વ્યક્તિ હવે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતા થઈ ગયા છે. સોશ્યલ મીડિયા એવુ માધ્યમ છે જે ક્યારેક સારુ સાબિત થાય છે તો ક્યારેક ખરાબ પણ. સોશ્યલ મીડિયા આજકાલ એડિક્શન પણ બની ગયું છે. એવા ઘણા લોકો હોય છે, જેઓ સતત સોશ્યલ મીડિયામાં જ મગ્ન હોય છે. દિવસ રાત બસ સતત તેમને સોશ્યલ મીડિયા ચેક કરવાની અને અપડેટ કરવાની બિમારી હોય છે. આ દરમિયાન સોશ્યલ મીડિયામાં લગ્નની એક જાહેરાત વાયરલ થઈ છે. જેમા લખ્યું છે કે, 'સોશ્યલ મીડિયાનું વ્યસન ન હોય તેવી દુલ્હન જોઈએ છે'.

આ જાહેરાત પશ્ચિમ બંગાળના એક વ્યક્તિએ તેના લગ્ન માટે દુલ્હનની શોધમાં પ્રકાશિત કરી છે. પશ્ચિમ બંગાળના કામારપુકુરના વ્યક્તિએ આ જાહેરાત બહાર પાડી હતી. જે સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થઈ છે. આ વ્યક્તિને એવી દુલ્હનની શોધ છે જેને સોશ્યલ મીડિયાનું વ્યસન ન હોય. તેણે જાહેરાતમાં લખ્યું છે કે, 'સોશ્યલ મીડિયાનું વ્યસન ન હોય તેવી દુલ્હન જોઈએ છે'. તેમાં એમ પણ લખ્યું છે કે, દુલ્હન લાંબી, સુંદર અને પાતળી નહીં હોય તો પણ ચાલશે પરંતુ દુલ્હનને સોશ્યલ મીડિયાની આદત ના હોવી જોઇએ.

ટ્વીટર પર આઈએએસ અધિકારી નિતિન સાંગવાને ન્યુઝપેપરમાં છપાયેલી આ જાહેરાત ટ્વીટર પર શૅર કરતા લખ્યું હતું કે, 'સંભવિત કન્યા / વરરાજા, કૃપા કરીને નોંધ લો કે લગ્નના જોડા મેચ કરવાના માપદંડ બદલાઈ રહ્યાં છે'.

આ જાહેરાત સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થઈ છે અને યુર્ઝસ જાતજાતની કમેન્ટ્સ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું હતું કે, આવી દુલ્હન ફક્ત દેવલોકમાં જ મળશે. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, આવા ક્રાઈટેરિયામાં લગ્ન થવા અસંભવ છે.

આ વાયરલ જાહેરાત પર લોકોએ કરેલી કમેન્ટ્સ ખડખડાટ હસાવે તેવી છે. સાથે જ એમ પણ કહી શકાય કે, મોર્ડન જમાના સાથે લગ્ન માટે લોકોની ડિમાન્ડ પણ મોર્ડન થઈ રહી છે.

national news west bengal kolkata offbeat news