આ ટીનેજર માટે ‘જલ હૈ તો જીવન મુશ્કિલ’

13 May, 2022 09:30 AM IST  |  Arizona | Gujarati Mid-day Correspondent

૧૫ વર્ષની એબિગેઇલ બેકના શરીર પર પાણી અડે તો શીળસનાં ચાંઠાં ઊઠે છે, જેને કારણે તે રડી નથી શકતી કે નથી નિયમિત નાહી શકતી

એબિગેઇલ બેક

એક સામાન્ય ઉક્તિ છે ‘જલ હૈ તો જીવન હૈ...’ પણ આ ઉક્તિ અમેરિકાના એરિઝોના કાઉન્ટીના ટક્સન શહેરમાં રહેતી ૧૫ વર્ષની એબિગેઇલ બેક માટે લાગુ પડતી નથી. તેને શરીર પર પાણી અડે તો શીળસનાં ચાંઠાં ઊઠે છે, જેને કારણે તે રડી નથી શકતી કે નથી નિયમિત નાહી શકતી.

વાસ્તવમાં લગભગ ત્રણ વર્ષ પહેલાં ૨૦૧૯માં ૧૩ વર્ષની વયે માસિક ધર્મમાં બેઠા પછી તેને આ તકલીફ શરૂ થઈ હતી. ૨૦ કરોડ લોકોમાં કો​ઈ એકને થતી આ તકલીફ વિશે શરૂઆતમાં તો કોઈ તેના પર હસશે એવા ભયે તે કહી પણ નહોતી શકી. જોકે વરસાદ પડે ત્યારે વાતાવરણના ભેજથી પણ તેને શરીર પર ઍસિડ અડ્યા જેવી બળતરા થતી.

એબિગેઇલે તેની મમ્મીને પણ આવું જ ફીલ થાય એમ પૂછ્યા બાદ તેને આ ગંભીર બીમારી હોવાનું સમજાયું હતું. લગભગ એક વર્ષ કરતાં વધુ સમય થયો હશે તેણે એક ગ્લાસ ભરીને પાણી પણ પીધું નથી. પાણી પીતાં જ તેને ઊલટી થાય છે. પરિણામે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવા પાણીની માત્રા ઓછી હોય એવાં એનર્જી ડ્રિન્ક કે દાડમનો રસ વગેરે પીતી રહે છે. તબીબી ભાષામાં તેની આ બીમારી ઍક્વાજેનિક અર્ટિકૅરિયાના નામે ઓળખાય છે.

ડૉક્ટરોએ તેને રીહાઇડ્રેશનની ગોળીઓ આપવાની ફરજ પડી છે અને જો તેની સ્થિતિમાં સુધારો ન થાય તો ભવિષ્યમાં વધુ પ્રવાહી મેળવવા માટે તેને નિયમિત આઇવી (નસ દ્વારા શરીરમાં પ્રવાહી દાખલ કરવાની પ્રક્રિયા) આપવાનું વિચારી રહ્યા છે.

અત્યાર સુધી વિશ્વમાં આવા ૧૦૦ કરતાં પણ ઓછા કેસ નોંધાયા છે. આ રોગ થવાનું કારણ અસ્પષ્ટ છે, પરંતુ એમ મનાય છે કે રોગપ્રતિકારક પ્રતિભાવને ઉત્તેજિત કરતી આ  સ્થિતિ પાણીમાં રહેલા પદાર્થને કારણે ઉદ્ભવી હોઈ શકે છે. મોટા ભાગના કેસમાં  ડિસઑર્ડરનો કોઈ કૌટુંબિક ઇતિહાસ નથી. એબિગેઇલના મતે તેણે ડૉક્ટર પાસે જવામાં કરેલા વિલંબને કારણે સ્થિતિ વધુ અસહ્ય બની હતી. 

offbeat news international news