ચોર સાઇકલ પર દુકાનમાં આવ્યો, બિન્દાસ થેલો ભરીને થઈ ગયો રફુચક્કર

19 June, 2021 10:35 AM IST  |  San Fransico | Gujarati Mid-day Correspondent

રિપોર્ટરે આ વિશે વાત કરતાં કહ્યું હતું કે અમારા શહેરમાં આ રીતે ચોરી થવી એ ખૂબ સામાન્ય ઘટના છે

વિડિયોમાંથી લીધેલો સ્ક્રીનશૉટ

અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોથી સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેણે નેટિઝન્સને ચકિત કર્યા  છે. ધોળેદહાડે સાઇકલ પર સેલ્ફ-સર્વિસવાળી દુકાનમાં પ્રવેશેલો એક માણસ ફટાફટ શેલ્ફ પરથી વસ્તુઓ ઉપાડીને બૅગમાં મમૂકતો જાય છે અને પછી સાઇકલ પર બેસીને રફુચક્કર થઈ જાય છે. જ્યારે આ વ્યક્તિ તેની બૅગમાં બધું મૂકી રહ્યો હતો ત્યારે તેને જોનારા લ્યાન મલેન્ડેઝ નામની પત્રકારે આ ઘટનાનો વિડિયો ઉતાર્યો હતો. 

જેવો તે દુકાનમાંથી બહાર નીકળવા જાય છે ત્યારે સિક્યૉરિટી ગાર્ડ તેને રોકવા અને તેની પાસેની બૅગ આંચકી લેવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે ત્યાંથી રવાના થવામાં સફળ રહે છે.

ટ્વિટર પર આ વિડિયો અપલોડ કરાતાં એણે લોકોનું ધ્યાન આકર્ષિત કરતાં અત્યાર સુધીમાં લગભગ ૫૭ લાખ વ્યુઝ મળી ગયા છે.

રિપોર્ટરે આ વિશે વાત કરતાં કહ્યું હતું કે અમારા શહેરમાં આ રીતે ચોરી થવી એ ખૂબ સામાન્ય ઘટના છે. દુકાનનો સામાન તો ઠીક, કાર પણ ચોરાઈ જાય છે અમારા શહેરમાં. મારા ગૅરેજમાંથી પણ બે વખત કાર ચોરાઈ છે.

અગાઉ દુકાનમાં ચોરી કરવી એ ગંભીર ગુનો ગણાતો હતો, પણ ૨૦૧૪માં પ્રપોઝિશન-47 નામના કાયદા પર ચર્ચા શરૂ થઈ જેમાં ૯૫૦ ડૉલર (લગભગ ૭૦ હજાર રૂપિયા) કરતાં ઓછી રકમની ચોરી કે ઉઠાંતરીને ગુનાને બદલે દુષ્કર્મ ગણી એનો દંડ ઓછો કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે નેટિઝન્સના મતે આ ચોરી જ કહેવાય અને એ માટે ચોરને સજા થવી જ જોઈએ.

offbeat news international news