રીંછને બે પગે ઊભેલું જોઈને વાઘ બેસી ગયો

15 October, 2021 10:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ફૉરેસ્ટ અધિકારી સંદીપ ત્રિપાઠીએ ટ્વિટર પર શૅર કરેલા આ વિડિયોમાં રીંછ સામે લડવામાં વાઘ ખચકાટ અનુભવતો જોવા મળ્યો છે

રીંછ અને વાઘ

વાઘ અને રીંછનો આમનો-સામનો થઈ જવાનો એક વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે, જેમાં રીંછ બે પગ પર ઊભું થતાં વાઘ શાંતિધ્વજ ફરકાવતો હોય એમ જમીન પર બેસી જાય છે.

ફૉરેસ્ટ અધિકારી સંદીપ ત્રિપાઠીએ ટ્વિટર પર શૅર કરેલા આ વિડિયોમાં રીંછ સામે લડવામાં વાઘ ખચકાટ અનુભવતો જોવા મળ્યો છે. વિડિયો સાથે ફૉરેસ્ટ અધિકારીએ એવું લખ્યું છે કે આવા ખરાખરીના જંગમાં વાઘ પણ મૂંઝાઈ ગયેલો જોવા મળે છે.

વિડિયોની શરૂઆત થાય છે ત્યારે જંગલમાં વાઘ ફરતો દેખાય છે. થોડી ક્ષણો પછી રીંછ ફ્રેમમાં આવી વાઘની નજીક સરકે છે, જેને લીધે વાઘ પાછો ફરીને જોવા લલચાય છે. ત્યાં જ રીંછ બે પગ પર ઊભો થઈ જાય છે. રીંછને બે પગે ઊભેલો જોઈને વાઘ જમીન પર આસન માંડીને બેસી જાય છે. રીંછ ફરી બે પગ પર ઊભો થાય છે, પણ વાઘ સ્થિતિનું અવલોકન કર્યા કરે છે. નજીકમાં માણસ હોવાનો ભાસ થતાં  રીંછ દોડી જાય છે અને વાઘ એને દોડી જતું જોયા કરે છે.

offbeat news national news