10 July, 2024 01:31 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં ગંગાપ્રસાદ નામના ડાકુએ આવું કૃત્ય કર્યું છે.
ચીન અને કોરિયામાં સાપ અને જીવજંતુઓ ખાવાની કોઈ નવાઈ નથી, પરંતુ આપણે ત્યાં જ્યાં સાપને દેવતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે ત્યાં કોઈ જીવતા સાપને ખાવા માંડે તો હોબાળો મચવો સ્વાભાવિક છે. ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં ગંગાપ્રસાદ નામના ડાકુએ આ કૃત્ય કર્યું છે. ગંગાપ્રસાદ થોડા સમય પહેલાં જેલમાંથી છૂટ્યો છે અને બહાર આવીને તેણે ક્રૂરતાનું ફરી એક વાર નિદર્શન કર્યું છે. વિડિયોમાં તે પાણીમાં તરતા સાપને મોઢેથી ચપળતાપૂર્વક પકડી લેતો જોવા મળે છે. લગભગ દોઢબે ફુટનો પાતળો દોરડી જેવો સાપ છટપટે છે એટલે ગંગાપ્રસાદ એને મારે છે. જોર-જોરથી માર્યા પછી તે મોઢાની નીચેના ભાગ પર બટકાં ભરીને સાપને કાચો જ ચાવી જાય છે. ગંગા સ્થાનિક ડાકુઓની ગૅન્ગનો મેમ્બર છે અને આ ઘટનાનો વિડિયો વાઇરલ થયા પછી કિશનપુર પોલીસ-સ્ટેશનને આ ડાકુ સામે સ્ટ્રિક્ટ ઍક્શન લેવાની તાકીદ કરી છે. કેટલાકનું કહેવું છે કે આ માણસ પર ઇન્ડિયન વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ઍક્ટ અંતર્ગત કાર્યવાહી થવી જોઈએ.