02 July, 2025 02:53 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
અજગર
ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના બરદૌલિયા ગામના નાગમણિ આશ્રમ પાસે આવેલા નાળામાં રવિવારે ઢળતી સાંજે એક ઘટના ઘટી જેનો સ્થાનિકોએ વિડિયો લઈ લીધો. આ વિડિયો સોશ્યલ મીડિયામાં જબરો વાઇરલ થયો છે. અજગર લગભગ પંદરથી ૨૦ ફુટ લાંબો હતો. એનું પેટ ખૂબ જ વિચિત્ર રીતે ફૂલેલું હતું. એણે પહેલાં તો જોશ-જોશમાં એક આખી બકરીને ગળી લીધી હતી. જોકે એ પછી બકરી પેટમાં વચ્ચોવચ પહોંચી એટલે પેટમાં તનાવ વધી ગયો. આટલી સાઇઝનો શિકાર ગળી લીધા પછી અજગર આકળવિકળ થઈ રહ્યો હતો. હાલત બગડી રહી હતી અને એ છટપટી રહ્યો હતો. આખરે એણે ઔકાતથી વધુ મોટા શિકારને ઓકી નાખવાનું નક્કી કર્યું. ધીમે-ધીમે કરીને એ શિકારને પાછો મોં પાસે લાવ્યો. પહેલાં બકરીના પાછલા પગ બહાર આવ્યા અને એ પછી ધીમે-ધીમે આગલા પગ અને માથું બહાર આવી જતાં અજગરે ચેનનો શ્વાસ લીધો.
અજગરમાં ઝેર નથી હોતું, પરંતુ એની પકડ અને ગળવાની ક્ષમતા ખૂબ વધારે હોવાથી એ પોતાની ક્ષમતા કરતાં મોટા પ્રાણીનો શિકાર કરી લઈ શકે છે, પરંતુ પેટમાં એટલી જગ્યા ન થતી હોવાથી એ એકસાથે શિકારને પચાવી નથી શકતો.