૯૦ વર્ષનાં દાદીમા ડ્રાઇવિંગનાં જબરા શોખીન છે

25 September, 2021 04:33 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

સાડી પહેરીને મારુતિ 800 હૅચબૅકની ડ્રાઇવિંગ-સીટ પર બેઠેલાં આ દાદી પર મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણ આફરીન છે

ડ્રાઇવિંગનાં શોખીન દાદીમા

મધ્ય પ્રદેશનાં ૯૦ વર્ષનાં દાદીમા તેમની ડ્રાઇવિંગની કાબેલિયતથી સોશ્યલ મીડિયા પર છવાઈ ગયાં છે. સાડી પહેરીને મારુતિ 800 હૅચબૅકની ડ્રાઇવિંગ-સીટ પર બેઠેલાં આ દાદી પર મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણ આફરીન છે.

દાદીનો વિડિયો જોયા બાદ તેમણે ટ્વિટર પર લખ્યું હતું, ‘દાદીમાએ બધાને પ્રેરણા આપી છે કે આપણે પોતાની અભિરુચિ પૂરી કરવા માટે ઉંમરને મહત્ત્વ ન આપવું જોઈએ. ઉંમર ગમે તે હોય, જીવન જીવવાની હોંશ હોવી જોઈએ.’

મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાના બિલાવલી વિસ્તારનાં રહેવાસી રેશમબાઈ તંવરે કહ્યું છે કે ‘મારા ઘરમાં બધાને ડ્રાઇવિંગ આવડતું હોવાથી મેં પણ ડ્રાઇવિંગ શીખી લીધું હતું. હવે હું કારની જેમ ટ્રૅક્ટર પણ ચલાવી શકું છું.’

જોકે ડ્રાઇવિંગ સ્કિલના વિડિયો બાબતમાં દાદીમાની ૯૦ વર્ષની મોટી ઉંમર જોતાં તેમના લાઇસન્સ વિશે કેટલાક નેટિઝન્સે પ્રશ્ન કર્યો છે.

offbeat news national news madhya pradesh