અત્યંત દુર્લભ એવું સફેદ રંગનું કિવી પંખી બચાવવા જતાં મૃત્યુ પામ્યું

03 January, 2021 09:22 AM IST  |  New Zealand | Gujarati Mid-day Correspondent

અત્યંત દુર્લભ એવું સફેદ રંગનું કિવી પંખી બચાવવા જતાં મૃત્યુ પામ્યું

સફેદ રંગનું કિવી

ન્યુ ઝીલૅન્ડના ઉત્તર પ્રાંતના ટાપુ પરના પુકાહા નૅશનલ પાર્કમાં રહેતું  સફેદ રંગનું ‘માનાકુરા’ નામે ઓળખાતું  કિવી પક્ષી ડિસેમ્બર મહિનામાં બીમાર પડતાં એને વાઇલ્ડ બેઝ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. પેટની બીમારીને કારણે એ ખાઈ-પી શકતું ન હોવાથી એનું વજન ઘટી રહ્યું હોવાનું પાર્કના રેન્જર્સના ધ્યાનમાં આવ્યું હતું. સારવાર માટે તેની સર્જરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સર્જરી દરમ્યાન એ મૃત્યુ પામતાં સોશ્યલ મીડિયા પર હજારો વન્યજીવનપ્રેમીઓએ શોક વ્યક્ત કર્યો હતો. એ પક્ષીના પેટમાં એક અવિકસિત ઈંડું અટક્યું હતું એ કાઢવા માટે વેટરનરી ડૉક્ટરોએ સર્જરી કરી હતી, પરંતુ એમાં તેમને સફળતા મળી નહોતી.

 સફેદ રંગનું કિવી પક્ષી દુર્લભ મનાય છે. વળી એનો જન્મ પણ જંગલના ખુલ્લા વાતાવરણમાં થાય છે. કોઈ પાંજરામાં કે વાઇલ્ડ લાઇફ પાર્કમાં એ પક્ષી ઈંડાં મૂકે અને એ ઈંડાં સેવીને અમાંથી એ પક્ષી જન્મે એવી ૨૦૧૧માં બનેલી પ્રથમ ઘટનામાં એ સફેદ કિવી પક્ષીનો જન્મ થયો હતો. જે રીતે કાંગારૂ નામનાં પ્રાણીઓ ઑસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ઓળખ છે એ જ રીતે કિવી પક્ષીઓ ન્યુ ઝીલૅન્ડની રાષ્ટ્રીય ઓળખ છે. ન્યુ ઝીલૅન્ડના ક્રિકેટરો ‘કિવીઝ’ના હુલામણા નામે પણ ઓળખાય છે. 

offbeat news international news new zealand