અહીં એટલી ઠંડી પડે છે કે, વાહનોની બૅટરીને બ્લેન્કેટમાં લપેટીને હીટેડ ગૅરેજમાં મૂકવી પડે છે

15 January, 2022 10:51 AM IST  |  Siberia | Gujarati Mid-day Correspondent

સાઇબિરિયાની એક મહિલાએ પૃથ્વી પરના સૌથી ઠંડા શહેર પર એક દસ્તાવેજી ફિલ્મ બનાવી

સાઇબિરિયા

સાઇબિરિયાની એક મહિલાએ પૃથ્વી પરના સૌથી ઠંડા શહેર પર એક દસ્તાવેજી ફિલ્મ બનાવી છે, જેનું તાપમાન શિયાળામાં માઇનસ ૩૫ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું હોય છે.
રશિયાના યકુતિઆની નિવાસી અને યુ-ટ્યુબર કિઉન બીએ પોતાની હોમ ચૅનલ પર તેના હોમટાઉનમાં કઈ રીતે અને કેવી કઠણાઈમાં જીવન વ્યતીત કરે છે એની એક ડૉક્યુમેન્ટરી તૈયાર કરી છે. અહીં જીવિત રહેવા માટે લોકોએ શરીર પર અગણિત પ્રમાણમાં વસ્ત્રો પહેરવાં આવશ્યક છે. આટલી તીવ્ર ઠંડીમાં ઢીંચણના સાંધા જકડાઈ જવા સામાન્ય છે. 
આખું શરીર ઢંકાય એવાં વસ્ત્રો પહેર્યા પછી એના પર પૅડેડ કપડાં પહેરી શરીરને ગરમાવો આપવો પડે છે. પગમાં રેઇન્ડિયરના ચામડીમાંથી બનેલાં પરંપરાગત જૂતાં પહેરે છે. માથાને ઠંડીથી બચાવવા માટે શિયાળના ફરમાંથી બનેલી ટોપી પહેરાય છે. માથું ઢાંકવા ઉપરાંત ચહેરાને સંપૂર્ણપણે ઢાંકવા માટે મણકાવાળા યાકુટિયન પૅટર્નવાળા મિટન્સ પણ પહેરાય છે અન્યથા ખુલ્લા ભાગોને હિમડંખ લાગી શકે છે.
જાન્યુઆરીમાં અહીં લગભગ માઇનસ ૧૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે, જે ઘટીને માઇનસ ૩૫ ડિગ્રી સેલ્સિયસ જેટલું થાય છે. આટલી ઠંડીમાં તમે આંખ પર ચશ્માં નથી પહેરી શકતા નહીં તો એની ફ્રેમ ચહેરા સાથે ચીટકી જાય છે. 
અત્યંત ઠંડા વાતાવરણને લીધે લોકો વધુ સમય ઘરની બહાર નથી રહી શકતા. તાજી હવામાં પાંચથી દસ મિનિટ રહેવાથી થાક, ચહેરા પર ડંખ મારતો દુખાવો અને આંગળીઓ અને અંગૂઠામાં લાંબા સમય સુધી ચાલતાં દુખાવો થઈ  શકે છે. કામ પર કે સ્કૂલ જવા લોકો બસથી પ્રવાસ કરે છે, પરંતુ જે લોકો પોતાનાં વાહન ધરાવે છે તેમણે પોતાનાં વાહનોની બૅટરીને બ્લેન્કેટમાં લપેટીને હીટેડ ગૅરેજમાં મૂકવી પડે છે. જંગલની જેમ જ અહીં પણ પીવાનું પાણી ખૂબ કીમતી છે. 
અહીં લોકો બરફનું પાણી પીવાનું પસંદ કરે છે કેમ કે નળમાંથી આવતા પાણીનો સ્વાદ ક્લોરિન જેવો હોય છે.

offbeat news international news