વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઍરપોર્ટ પર હવે સંસ્કૃત ભાષામાં અનાઉન્સમેન્ટ

23 June, 2022 09:44 AM IST  |  Varanasi | Gujarati Mid-day Correspondent

વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કોવિડ-19ના પ્રોટોકોલની સમજ આપતી અનાઉન્સમેન્ટ સંસ્કૃત ભાષામાં કરવામાં આવે છે

ફાઇલ તસવીર

આપણા દેશમાં ઍરપોર્ટ પર કોઈ પણ પ્રકારની જાહેરાત મોટા ભાગે હિન્દી અને અંગ્રેજીમાં કરવામાં આવતી હોય છે, પરંતુ શુક્રવારથી ઍરપોર્ટ પર અનાઉન્સમેન્ટની ત્રીજી ભાષા તરીકે સંસ્કૃતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઍરપોર્ટ ડિરેક્ટર આર્યમા સંન્યાલે જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષાને માન આપવા માટે ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના સહયોગથી સંસ્કૃતમાં અનાઉન્સમેન્ટની પહેલ કરવામાં આવી હતી. સંસ્કૃતમાં અનાઉન્સમેન્ટની વાઇરલ થયેલી ક્લિપ ટ્વિટર પર ધૂમ મચાવી રહી છે.

વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કોવિડ-19ના પ્રોટોકોલની સમજ આપતી અનાઉન્સમેન્ટ સંસ્કૃત ભાષામાં કરવામાં આવે છે. અનેક લોકોએ આ પહેલને વધાવી લીધી છે, તો વળી કેટલાકે આવા ગતકડાથી ભાષા પુનર્જીવિત ન થાય એવી ટીકા પણ કરી છે. કેટલાક લોકોએ વારાણસીની પ્રાદેશિક ભાષા ભોજપુરીમાં અનાઉન્સમેન્ટ કેમ નથી કરાતી એવો પ્રશ્ન પણ પૂછ્યો છે.  

offbeat news national news varanasi