જોઈ લો, માનવ અને ડૉગીનો સહિયારો બેડ

15 May, 2022 10:12 AM IST  |  Vancouver | Gujarati Mid-day Correspondent

ઊંઘતી વખતે આરામદાયક અનુભવ મળી રહે એ માટે આ બેડ મેમરી ફોમ, ઑર્થોપેડિક ફોમ અને ફૉક્સ ફર દ્વારા બનાવવામાં આવ્યો છે

માનવ અને ડૉગીનો સહિયારો બેડ

પશ્ચિમ કૅનેડાના શહેર વૅનકુવરની યુનિવર્સિટીના બે સ્ટુડન્ટ્સ નોહ સિલ્વરમૅન અને યુકી કિનોશિતાએ રાહતભરી નિદ્રા માટે માનવ અને ડૉગીનો સહિયારો બેડ વિકસિત કર્યો હોવાનો દાવો કર્યો છે. માનવ અને ડૉગીના આ સહિયારા બેડ પ્લફલને વિકસાવવાનો મૂળ હેતુ તણાવ અને ચિંતા દૂર કરી શાંત અને રાહતભરી ઊંઘ મેળવવાનો છે.

ઊંઘતી વખતે આરામદાયક અનુભવ મળી રહે એ માટે આ બેડ મેમરી ફોમ, ઑર્થોપેડિક ફોમ અને ફૉક્સ ફર દ્વારા બનાવવામાં આવ્યો છે. આ અનોખી પ્રોડક્ટ એક મોટા કદના ડૉગ બેડ જેવી જ છે, જેમાં ડૉગી અને એક વ્યક્તિ આરામથી ઊંઘી શકે છે.

નોહ સિલ્વરમૅન અને યુકી કિનોશિતાને સ્થાનિક કૉફી શૉપ અને એની ગ્રેટ ડૅન પ્રજાતિની માદા ડૉગી ‘લેડી’ને મળ્યા બાદ આ શોધ કરવાનો વિચાર આવ્યો હતો. ઑનલાઇન રાહતભરી ઊંઘ માટે વિવિધ વિકલ્પ શોધતી વખતે તેમણે નોંધ્યું હતું કે લેડી પાસે વિશેષરૂપે તૈયાર કરાયેલો બેડ છે. આ બેડ જોયા બાદ તેમને ડૉગી અને એના માલિક માટે સહિયારો બેડ તૈયાર કરવાનો વિચાર આવ્યો હતો.

પ્રથમ દૃષ્ટિએ માનવ અને ડૉગીના સહિયારા બેડનો આઇડિયા ભલે વિચિત્ર લાગે, પરંતુ તેણે કિકસ્ટાર્ટર ક્રાઉડ ફન્ડિંગ દ્વારા ૩.૭૯ લાખ ડૉલર (લગભગ ૨.૯૪ કરોડ રૂપિયા)થી વધુ  રકમ ભેગી કરી છે. ઉચ્ચ ગુણવત્તાવાળી ફૉક્સ ફર ઍન્ટિ-માઇક્રોબાયલ અને મશીનથી ધોવા યોગ્ય છે તેમ જ આ બેડ પોર્ટેબલ છે. માનવ ડૉગી બેડનું ઉત્પાદન શરૂ કરાશે તો સહેજેય ૪૦૦ અમેરિકી ડૉલર (લગભગ ૩૦,૯૯૫ રૂપિયા) કે ૭૦૦ ઑસ્ટ્રેલિયન ડૉલર (લગભગ ૩૭,૬૧૩ રૂપિયા)માં પડશે. 

offbeat news international news