આ ભારતીય મહિલાના છે વિશ્વમાં સૌથી લાંબા વાળ

08 August, 2026 02:33 PM IST  |  Kumaon | Gujarati Mid-day Correspondent

રેણુ એક કન્ટેન્ટ-ક્રીએટર છે અને તે યુટ્યુબ પર લાંબા વાળને સુંદર અને સ્વસ્થ રાખવાની ટિપ્સ શૅર કરે છે

વાળની લંબાઈ ૨૭૧.૮૦ સેન્ટિમીટર એટલે કે ૮ ફુટ અને ૧૦ ઇંચ છે

ઉત્તરાખંડના હલ્દવાનીમાં રહેતી રેણુ ધરિયાલ નામની મહિલાએ સૌથી લાંબા વાળ ધરાવતી જીવિત વ્યક્તિનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. તેના માથા પર લાંબા, કાળા અને જથ્થાદાર વાળની લંબાઈ ૨૭૧.૮૦ સેન્ટિમીટર એટલે કે ૮ ફુટ અને ૧૦ ઇંચ છે. એપ્રિલ મહિનામાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના અધિકારીઓ દ્વારા હલ્દવાનીમાં તેના વાળની લંબાઈનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. યુક્રેનની આલિયા નાસિરોવા નામની મહિલાનો (૨૫૭.૩૩ સેન્ટિમીટર) રેકૉર્ડ રેણુએ તોડ્યો હતો.

રેણુ એક કન્ટેન્ટ-ક્રીએટર છે અને તે યુટ્યુબ પર લાંબા વાળને સુંદર અને સ્વસ્થ રાખવાની ટિપ્સ શૅર કરે છે. રેણુનું કહેવું છે કે ‘હું ૨૦૧૫થી સતત વાળ વધારી રહી છું. ભારતીય સંસ્કૃતિમાં લાંબા વાળને સુંદરતા અને પરંપરા માનવામાં આવે છે એટલે જ મને વાળ લાંબા કરવાની પ્રેરણા મળી હતી.’

૨૦૧૫ પછી તેણે વાળ કપાવ્યા નથી. તેના વાળ ખૂબ લાંબા, ચમકીલા અને ઘટાદાર છે. તેની ખુદની હાઇટ કરતાં પણ વાળ લાંબા હોવાથી વાળ જમીન પર ઢસડાય નહીં એનું ધ્યાન રાખવું પડે છે. તેનું કહેવું છે કે ‘લાંબા વાળની સંભાળ રાખવી ખાવાના ખેલ નથી. એને ધોવામાં અને ગૂંચ કાઢીને સૂકવવામાં કલાકો જાય છે. હું હોમમેડ હેરઑઇલ અને શૅમ્પૂ વાપરું છું.’

uttarakhand offbeat news guinness book of world records national news news