25 October, 2024 02:39 PM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
ઉત્તરાખંડ પોલીસે ૩ આરોપીઓની માહિતી આપનારને ઇનામમાં માત્ર પાંચ રૂપિયા આપ્યા હતા
ખૂનખાર ગુનેગારો કે ભાગેડુ આરોપીઓની માહિતી આપવા કે પકડવા માટે પોલીસ ઘણી વાર હજારો-લાખો રૂપિયા ઇનામ જાહેર કરે છે, પણ ઉત્તરાખંડ પોલીસે ૩ આરોપીઓની માહિતી આપનારને ઇનામમાં માત્ર પાંચ રૂપિયા આપ્યા હતા. પોલીસના આ નિર્ણયની ચારેકોર ચર્ચા થાય છે. ઉધમ સિંહ નગર જિલ્લાના જાફરપુર ગામમાં ૧૨ ઑક્ટોબરે જૂથ-અથડામણ થઈ હતી અને એમાં સામસામા ગોળીબાર પણ થયા હતા. બન્ને જૂથે ૪૦ ગોળીઓ એકબીજા પર છોડી હતી એમાં ૮ જણને ઈજા થઈ હતી. આ ઘટના પછી રામપુરના સાહબ સિંહ, રુદ્રપુરના જસવીર સિંહ અને દિનેશપુરના મનમોહન સિંહ ભાગી ગયા હતા. પોલીસે ત્રણેયને પકડવાની તપાસ શરૂ કરી હતી. એમાં ત્રણેય ક્યાં છે એની કોઈકે પોલીસને જાણ કરી દીધી અને પોલીસે ત્રણેયને પકડી લીધા. એ પછી પોલીસે બાતમી આપનારને પાંચ રૂપિયાનું ઇનામ આપ્યું હતું. ઉત્તરાખંડના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ મણિકાંત મિશ્રાએ ઇનામમાં ફક્ત પાંચ રૂપિયા આપવાનું કારણ કહ્યું હતું. તેમણે કહ્યું કે આ લોકોને એવું લાગતું હશે કે તેઓ ભય ફેલાવી શકે છે, પણ સાચી વાત એ છે કે એ લોકોની હેસિયત પાંચ રૂપિયાથી સહેજ પણ વધારે નથી. આટલી ઓછી રકમ એ દર્શાવે છે કે કાયદો અને પ્રજાની નજરમાં એ લોકો શાખ ગુમાવી ચૂક્યા છે.