પ્રેમી માટે યુવતી મોબાઇલ ટાવર પર ચડી ગઈ, બે કલાક ચાલ્યો શોલે જેવો ડ્રામા

13 September, 2026 02:42 PM IST  |  Deoria | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના દેવરિયામાં પ્રેમી સાથે લગ્ન કરવાની જિદ્દમાં એક યુવતી મોબાઇલ ટાવર પર ચડી ગઈ હતી. પોલીસે ડ્રોન અને લાઉડસ્પીકરની મદદથી આશરે અઢી કલાકની સમજાવટ બાદ તેને સુરક્ષિત નીચે ઉતારી. યુવતીના પ્રેમી સામે તેના પરિવારે કેસ કર્યો હતો.

ઉત્તર પ્રદેશના દેવરિયામાં યુવતી ટાવર પર ચડી

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાંથી ‘શોલે’ જેવો એક ડ્રામા સામે આવ્યો છે. અહીં એક યુવતી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાની જિદ્દ લઈને સીધી મોબાઇલ ટાવર પર ચડી ગઈ. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ધમાલ મચી ગઈ હતી અને હજારો લોકોનાં ટોળાં આ તમાશો જોવા ઊમટી પડ્યાં હતાં. 
ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને આશરે અઢી કલાકની ભારે જહેમત બાદ યુવતીને માંડ-માંડ સલામત રીતે નીચે ઉતારી હતી.
દેવરિયાના લાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા પટનેજી વિસ્તારમાં બનેલી  આ ઘટનામાં યુવતીની જિદ્દ સામે પોલીસ પણ પરેશાન થઈ ગઈ હતી.
યુવતીએ ટાવર પર ચડીને પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો, જેથી તેની ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. આખરે પોલીસે પરિસ્થિતિ સમજવા ડ્રોન કૅમેરાની મદદ લીધી હતી.
લાર પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ રાકેશ સિંહ અને તેમની ટીમે લાઉડસ્પીકર અને માઇક વડે યુવતી સાથે વાતચીત શરૂ કરી હતી અને તેને સતત નીચે ઊતરવા સમજાવી હતી. ટાવર પરથી સુરક્ષિત નીચે આવ્યા બાદ યુવતીએ જણાવ્યું કે તે જે યુવકને પ્રેમ કરે છે તેની સામે તેના જ પરિવારે ૩૦ ઑગસ્ટે પોલીસ-કેસ દાખલ કર્યો હતો. યુવતી હવે તેના જ પ્રેમી સાથે લગ્ન કરવા પર અડી છે.

uttar pradesh sholay viral videos offbeat news hatke news