11 April, 2025 12:12 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
૯ દિવસ પછી જેની સાથે દીકરીનાં લગ્ન થવાનાં હતાં તે જમાઈ સાથે સાસુ ભાગી ગઈ
ઉત્તર પ્રદેશના અલીગઢમાં અનીતાદેવી નામની મહિલા પોતાની જ દીકરીના થનારા પતિ સાથે ચક્કર ચલાવીને તેની સાથે ભાગી ગઈ એ કિસ્સો ચર્ચામાં છે. દીકરી શિવાનીનાં લગ્ન રાહુલ નામના છોકરા સાથે થવાનાં હતાં. લગ્નની કંકોતરી છપાઈ ચૂકી હતી અને લગ્નને જસ્ટ ૯ જ દિવસ બાકી હતા ત્યારે રાહુલ અને અનીતાદેવી ભાગી ગયાં. આ પછી દીકરી શિવાનીએ મા સાથે છેડો ફાડી નાખ્યો છે અને પિતા જિતેન્દ્રએ પણ પોલીસને કહ્યું છે કે એક વાર અનીતાદેવીને પકડીને પરિવાર સામે લાવે. અનીતા અને તેનો જમાઈ અત્યારે ઉત્તરાખંડમાં છે એવું કહેવાય છે. શિવાની અને રાહુલનાં લગ્ન ૧૭ એપ્રિલે થવાનાં હતાં. એ માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. જોકે એ દરમ્યાન રાહુલની પોતાની થનારી સાસુ અનીતા સાથે વાતચીત વધતી ચાલી. બન્ને વચ્ચે કલાકો સુધી વાતો થતી. નવાઈની વાત એ હતી કે રાહુલને તેની થનારી પત્ની શિવાની સાથે વાત કરવામાં રસ નહોતો. ક્યારે બન્ને એકમેકના પ્રેમમાં પડી ગયા એની પરિવારજનોને ખબર જ ન પડી. લગ્ન આડે નવ દિવસ બાકી હતા ત્યારે ઘરમાં લગ્ન માટે રાખેલાં પાંચ લાખનાં ઘરેણાં અને સાડાત્રણ લાખ રૂપિયા લઈને અનીતા અને રાહુલ ફરાર થઈ ગયાં. દીકરીનું કહેવું છે કે તેની મા આખા ઘરને ફંફોસીને જેટલું હતું એ બધું જ લઈ ગઈ છે એટલું જ નહીં, જિતેન્દ્રએ થનારા જમાઈ રાહુલને ફોન કર્યો ત્યારે રાહુલે તેમને ધમકાવી નાખ્યા, ‘તેની સાથે વીસ વર્ષ રહી લીધુંને, હવે તેને ભૂલી જાઓ. બીજી વાર ફોન ન કરતા.’