04 August, 2026 06:02 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
૧૫,૦૦૦ ફુટ ઊંચે હવામાં ઊડતાં-ઊડતાં બનાવ્યું ટૅટૂ
હવે ટૅટૂ બનાવવું આમ વાત છે એટલે કોઈ ટૅટૂ-આર્ટિસ્ટને પોતાના ક્ષેત્રમાં કંઈક નવું કરવું હોય તો શું કરે? અમેરિકાના એક ટૅટૂ-આર્ટિસ્ટે નવીનતા માટે થઈને સ્કાયડાઇવિંગ કરતાં-કરતાં ટૅટૂ ચીતરવાનો સ્ટન્ટ કર્યો. આ સ્ટન્ટ સફળ પણ થયો. અલબત્ત, આ કારનામું કંઈ પહેલી વાર નથી થઈ રહ્યું. આ પહેલાં પણ ચારેક કલાકારો આ કરી ચૂક્યા છે. તાજેતરમાં અમેરિકાના ફન્કી મૅટસ નામના આર્ટિસ્ટે પ્લેનમાંથી ૧૫,૦૦૦ ફુટ ઊંચેથી કૂદકો મારીને હવામાં જ ટૅટૂ-મશીનથી હાથ પર છૂંદણું બનાવ્યું હતું. ટૅટૂ માટેનું મશીન હાથમાંથી પડી ન જાય એ માટે મશીનને હાથ પર સેલોટેપથી બાંધી દીધું હતું. તેણે હવામાં હજારો ફુટ ઊંચેથી ૧૨૦ મીટર પ્રતિ કલાકની ઝડપે નીચે પડતી વખતે પોતાના હાથમાં FLY લખ્યું હતું. ફન્કીના શરીર પર ૨૭૩ લોકોની સહી ટૅટૂ તરીકે છૂંદેલી છે અને આ માટે તેનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાઈ ગયું છે.