દીકરી માટે છોકરો જોવા ગયેલો પતિ ત્રીજી પત્ની લઈને આવતાં બીજી પત્નીએ કર્યો હંગામો

21 January, 2026 12:49 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

અહીં પતિ કેમ અને ક્યાંથી ત્રીજી સ્ત્રીને લઈને પરણી ગયો એ વિશે તેણે કોઈ ખુલાસો કર્યો નહોતો

પરિવાર પરામર્શ કેન્દ્રમાં મામલો પહોંચ્યો

ઉત્તર પ્રદેશના સોનભદ્ર ગામમાં એક વ્યક્તિ પોતાની દીકરી માટે છોકરો જોવા જાઉં છું કહીને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ પાછો આવ્યો ત્યારે તેની સાથે એક સ્ત્રી હતી જેને તે  પરણીને લાવ્યો હતો. એ જોઈને તેનાં જુવાનજોધ સંતાનો અને પત્નીએ વિરોધ કર્યો. વાત એમ હતી કે ઑલરેડી તેના ઘરમાં જે પત્ની હતી એ બીજા નંબરની હતી. પહેલી પત્ની માનસિક રીતે અસ્વસ્થ હતી એમ કહીને તે તેને છોડી ચૂક્યો હતો અને બીજી સ્ત્રી સાથે પરણ્યો હતો. બે પત્નીઓ થકી તેને પાંચ સંતાનો હતાં અને મોટી દીકરીનાં લગ્ન કરવા માટે મુરતિયો જોવાનું કામ ચાલી રહ્યું હતું. ભાઈસાહેબ ખુદ ત્રીજી પત્ની લઈને આવી પહોંચ્યા હતા. ઘરમાં ઝઘડો થતાં ગામના પરિવાર પરામર્શ કેન્દ્રમાં મામલો પહોંચ્યો. અહીં પતિ કેમ અને ક્યાંથી ત્રીજી સ્ત્રીને લઈને પરણી ગયો એ વિશે તેણે કોઈ ખુલાસો કર્યો નહોતો. બીજી પત્ની પોલીસમાં ફરિયાદ કરવા નહોતી માગતી એટલે કાઉન્સેલિંગ સેન્ટરના કહેવાથી પતિને તાત્પૂરતું નવી પરણીને લવાયેલી ત્રીજી સ્ત્રીથી દૂર રહેવા રાજી થઈ ગયો હતો.

offbeat news uttar pradesh india national news