31 December, 2025 01:51 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
નિવૃત્ત રેલવે-કર્મચારી અને તેમની મેન્ટલી ચૅલેન્જ્ડ દીકરીને પાંચ વર્ષ સુધી ઘરમાં જ કેદ કર્યા એક કપલે
ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં એક નિવૃત્ત રેલવે-કર્મચારી અને તેમની મેન્ટલી ચૅલેન્જ્ડ દીકરીને પાંચ વર્ષ સુધી ઘરમાં જ કેદ કરીને રાખવામાં આવ્યા હોવાનો કિસ્સો તાજેતરમાં બહાર આવ્યો હતો. આ અમાનવીયતાને કારણે પિતાનું મૃત્યુ થયું હતું અને દીકરી દયનીય હાલતમાં મળી આવી હતી. ૭૦ વર્ષના ઓમપ્રકાશ સિંહ રાઠૌર ૨૦૧૬માં પત્નીનું મૃત્યુ થયા પછી પોતાની ૨૭ વર્ષથી માનસિક અક્ષમતા ધરાવતી દીકરી રશ્મિ સાથે રહેતા હતા. ઘરનું કામકાજ સંભાળવા માટે તેમણે રામપ્રકાશ કુશવાહા અને તેની પત્ની રામદેવીને ઘરમાં જ રાખી લીધાં હતાં. ઓમપ્રકાશના ભાઈ અમરસિંહનું કહેવું છે કે રામપ્રકાશ અને રામદેવીએ ધીમે-ધીમે તેમના ઘર પર પૂરી રીતે નિયંત્રણ કરી લીધું હતું. કૅરટેકર કપલ પોતે ઉપરના માળે રહેવા જતું રહ્યું હતું અને પિતા-પુત્રીને નીચેના રૂમમાં પૂરી રાખ્યાં હતાં. કાળજી અને દવા કરવાની વાત તો દૂર, ખાવા-પીવાનું આપવાનું પણ બંધ કરી દીધું હતું. અમરસિંહનું કહેવું છે કે જ્યારે પણ અમે કે અન્ય કોઈ સંબંધી મળવા આવે તો બહારથી જ અમને રવાના કરીને કહી દેવામાં આવતું કે ઓમપ્રકાશજી કોઈને મળવા નથી માગતા. ૨૯ ડિસેમ્બરે જ્યારે ઓમપ્રકાશ સિંહ ગુજરી ગયાના સમાચાર મળ્યા ત્યારે સંબંધી તેમના ઘરે પહોંચી ગયા હતા. જોકે એ વખતે ઘરનો નજારો સ્તબ્ધ કરી નાખનારો હતો. રશ્મિ નગ્ન અવસ્થામાં ઘરના એક અંધારા રૂમમાં બેહોશ થયેલી હતી. તેના શરીર પર માત્ર હાડકાંનો ઢાંચો રહી ગયો હતો અને જરાય માંસ બચ્યું જ નહોતું. સંબંધીઓએ કૅરટેકર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી અને દીકરીને હૉસ્પિટલમાં દાખલ કરી હતી.