લૅબ્રેડોર ડૉગીની મરઘીનાં બચ્ચાં સાથે અનોખી દોસ્તી

09 July, 2020 11:58 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

લૅબ્રેડોર ડૉગીની મરઘીનાં બચ્ચાં સાથે અનોખી દોસ્તી

લૅબ્રેડોર ડૉગીની મરઘીનાં બચ્ચાં સાથે અનોખી દોસ્તી

ઇંગ્લૅન્ડના થેટફોર્ડના નોર્ફોક શહેરમાં રહેતા જેડેન મોલોયના ઘરે પાંચ વર્ષની લૅબ્રેડોર ડૉગી છે. જેડેનને થોડાક દિવસ પહેલાં રસ્તામાં તેની માથી વિખૂટા પડી ગયેલાં મરઘીનાં બચ્ચાં મળી આવ્યાં. માથી વિખૂટાં પડી ગયેલાં બચ્ચાંને શિકારી પ્રાણીઓથી બચાવવા જેડેન એને બૉક્સમાં મૂકીને પોતાના ઘરે લઈ આવી. આ બચ્ચાંને જોઈને લૅબ્રેડોર ડૉગી રુબીને તો જાણે જલસા પડી ગયા. માલિકણને ચિંતા હતી કે જાયન્ટ કદની ડૉગી આ બચ્ચાંને ફાડી ખાશે, પણ થયું એનાથી અવળું જ. મરઘીનાં બચ્ચાંને રુબી વિના નથી ચાલતું અને રુબીને આ બચ્ચાં વિના. આખો દિવસ બચ્ચાંને પોતાના નાક પર બેસાડીને રુબીબહેન ઘરમાં ફરે છે. રાતે સૂતી વખતે પણ આ બચ્ચાં રુબીના મોં પાસે જ પડ્યાં રહે છે.
બચ્ચાંને પોતાની હૂંફ વર્તાય એ માટે રુબી બચ્ચાંના બૉક્સમાં પણ બેસી જાય છે. બચ્ચાંને એકથી બીજી જગ્યાએ ખસેડવાના કામમાં તેમ જ બચ્ચાંની સંભાળના કામમાં પણ એ એની માલિકણને મદદ કરતી હોય છે. જેડેનનું કહેવું છે કે રુબીનો આવો વહેવાર કંઈ પહેલી વારનો નથી. એને જાતજાતનાં પશુપંખીઓ સાથે ફ્રેન્ડશિપ કરવામાં મજા આવે છે. આ અગાઉ એ ઘોડાઓ સાથે મિત્રતા કરી ચૂકી છે, એને કોઈ પણ પ્રાણીથી જાણે કે ભય નથી લાગતો.

offbeat news international news