યુકેની ધ ઓલ્ડ સ્ટૅમ્પ હાઉસ વિશ્વની નંબર વન રેસ્ટોરાં

28 September, 2022 10:45 AM IST  |  Ambleside | Gujarati Mid-day Correspondent

ટ્રિપઍડ્વાઇઝર નામની વેબસાઇટે તાજેતરમાં વિશ્વની ૧૦ શ્રેષ્ઠ રેસ્ટોરાંની યાદી બહાર પાડી છે

ઓલ્ડ સ્ટૅમ્પ હાઉસ રેસ્ટોરાં એવી વાનગીઓ પીરસે છે જે કમ્બ્રિયાના ખોરાક અને સાંસ્કૃતિક વારસાની અનોખી ઝલક આપે છે

ટ્રિપઍડ્વાઇઝર નામની વેબસાઇટે તાજેતરમાં વિશ્વની ૧૦ શ્રેષ્ઠ રેસ્ટોરાંની યાદી બહાર પાડી છે, જેમાં યુકેના લેક ડિસ્ટ્રિક્ટમાં આવેલી ધ ઓલ્ડ સ્ટૅમ્પ હાઉસ રેસ્ટોરાંને સતત બીજા વર્ષે વિશ્વમાં નંબર વન રૅન્કિંગ આપ્યો છે. કમ્બ્રિયન રેસ્ટોરાંને બેસ્ટ ઑફ બેસ્ટ રેસ્ટોરાંનો અવૉર્ડ આસપાસના તેમ જ વિશ્વના પ્રવાસીઓ પાસેથી એક વર્ષ સુધી ભેગી કરેલી પ્રતિક્રિયા અને રેટિંગના વિશ્લેષણ બાદ આપવામાં આવ્યો છે. બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આવેલી ઓરો રેસ્ટોરાંને બીજો અને ઇટલીના દરિયાકિનારે આવેલા શહેર સેનિગાલિયાનામાં આવેલી મૅડોનીના ડેલ પેસ્કેટોરને ત્રીજો ક્રમાંક આપવામાં આવ્યો છે. અમેરિકાની નંબર વન રેસ્ટોરાં હવાઈમાં આવેલી લાહૈના ગ્રિલ છે જેનો વિશ્વમાં ૧૯મો ક્રમાંક છે. તાસ્માનિયાની વાઇલ્ડ હાર્વેસ્ટ ઑસ્ટ્રેલિયામાં પ્રથમ ક્રમાંકે છે, પરંતુ વર્લ્ડ રૅન્કિંગ્સની ટોચની પચીસમાં ઑસ્ટ્રેલિયાની કોઈ રેસ્ટોરાં નથી. 

વાઇલ્ડ હાર્વેસ્ટ તાસ્માનિયામાં કિંગ આઇલૅન્ડ પરની ઑસ્ટ્રેલિયાનો ટોચનો રૅન્કિંગ મેળવનાર ડાઇનિંગ રેસ્ટોરાં છે

નંબર વન રેસ્ટોરાં જાણીતા કવિ વિલિયમ વર્ડ્સવર્થની અગાઉની ઑફિસમાં છે. આ રેસ્ટોરાં એવી વાનગીઓ પીરસે છે જે અહીંના વિસ્તારના સાંસ્કૃતિક વારસાની ઓળખ છે. સૌથી જાણીતા મેનુમાં કમ્બ્રિયાથી આવતાં ટમેટાં, એમ્બલસાઇડના આસપાસનાં જંગલમાંથી મળતા મશરૂમ અને ઇંગ્લિશ ચૅનલમાંથી મળતી ટર્બોટ નામની માછલી છે. મોટા ભાગના લોકોએ ખોરાક અને વાઇન માટે આ રેસ્ટોરાંને રૅન્ક આપ્યો છે. વળી આ રેસ્ટોરાંને યુકેના શ્રેષ્ઠ ડેટ સ્પૉટમાં પણ પાંચમો ક્રમાંક મળ્યો છે. આ રેસ્ટોરાં ગ્રાહકની વાત બહુ શાંતિથી સાંભળીને એ પ્રમાણે જ ખોરાક પીરસે છે. બીજા ક્રમાંકની ઓરો રેસ્ટોરાં પણ બ્રાઝિલના મૂળને પકડી રાખે છે. માછલી ખાવાના શોખીને એક વાર તો આ રેસ્ટોરાંની મુલાકાત લેવી જરૂરી છે. અમેરિકાના રૅન્કિંગ્સમાં રહેલી લાહૈના ગ્રિલમાં નજીકનાં ખેતર, ડેરીઓ અને આસપાસના પાણીમાં ઉગાડવામાં આવતી સૌથી તાજી વસ્તુઓ જ પીરસવામાં આવે છે.

offbeat news united kingdom international news