ફૂડ ડિલિવરી માટે આવી, પાડોશીનો બિલાડો ચોરતી ગઈ

23 June, 2021 09:06 AM IST  |  California | Gujarati Mid-day Correspondent

અમેરિકાના કૅલિફૉર્નિયાના ઉબર ઇટ્સની એક મહિલા ડ્રાઇવર પર પાડોશના કોઈ ઑર્ડરની ફૂડ ડિલિવરી કરતાં પહેલાં તેણે બિલાડો ચોર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે

બિલાડો

ભારતમાં ઝોમૅટો અને સ્વિગી ફૂડ ડિલિવરી માટે અને ઓલા-ઉબર ટૅક્સીઓ માટે જાણીતી કંપનીઓ છે. અન્ય દેશોમાં ઉબરની ફૂડ ડિલિવરી નેટવર્ક કંપની ‘ઉબર ઇટ્સ’ પણ જાણીતી છે. અમેરિકાના કૅલિફૉર્નિયાના ઉબર ઇટ્સની એક મહિલા ડ્રાઇવર પર પાડોશના કોઈ ઑર્ડરની ફૂડ ડિલિવરી કરતાં પહેલાં તેણે બિલાડો ચોર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એ ડ્રાઇવરે ફૂડની ડિલિવરી આપતાં પહેલાં ૧૮ વર્ષના ‘હૉગ’ નામના બિલાડાને માથે ઊનની ટોપી પહેરાવીને કાગળની કોથળીમાં નાખીને કારની પાછળની સીટ પર મૂકી દીધો હતો, પરંતુ ચોરીની આખી ઘટના સર્વેલન્સ કૅમેરામાં ઝડપાઈ ગઈ હતી.

બિલાડાના માલિક પેટરિક લુઇસે જણાવ્યું કે ‘મને ઘણા વખત પછી જાણવા મળ્યું હતું કે મારા મકાનમાં ઉપર રહેતા પાડોશીના ઘરે ફૂડ ડિલિવરી માટે આવેલી ઉબર ઇટ્સની ડ્રાઇવર મારો પાળેલો બિલાડો ચોરી ગઈ છે. મારો બિલાડો હૉગ ચોરાઈ ગયો હશે એની કલ્પના વગર હું એને શોધતો રહ્યો હતો. એક પાડોશીએ કહ્યું કે તેમણે કોઈ અજાણી મહિલાને બિલાડાને ઉપાડતી જોઈ હતી. અન્ય પાડોશીએ કહ્યું કે તેમની પાસે ચોરીનું સર્વેલન્સ ફુટેજ છે.’

આ બાબતની ફરિયાદ મળતાં ઉબર ઇટ્સ કંપનીએ ડ્રાઇવરનું વર્તન અણછાજતું અને સ્વીકારી ન શકાય એવું હોવાનું જણાવ્યું હતું. કંપનીએ પોલીસ-તપાસમાં પૂરો સહકાર આપવાની ખાતરી આપવાની સાથે જણાવ્યું હતું કે બિલાડો એના માલિકને વહેલી તકે પહોંચાડવામાં આવે એની અને તકેદારી રાખીશું.

offbeat news international news california