કોરોના-વૅક્સિન લેવા માટે બે મહિલાએ સિનિયર સિટિઝનનો વેશ ધારણ કર્યો

21 February, 2021 08:41 AM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

કોરોના-વૅક્સિન લેવા માટે બે મહિલાએ સિનિયર સિટિઝનનો વેશ ધારણ કર્યો

કોરોના વાઇરસના સંક્રમણથી લોકોમાં વ્યાપેલા ભય બાદ બધા જ રસી મેળવીને સુરક્ષિત થવા માગે છે. જોકે જે-તે દેશની સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો તેમ જ હેલ્થ અને ફ્રન્ટલાઇન વર્કર્સને રસીમાં પ્રાધાન્યતા આપવામાં આવી છે. એવામાં ફ્લૉરિડામાં બે મહિલાએ ઑરેન્જ કાઉન્ટી કન્વેન્શન સેન્ટરમાં કોવિડ-19ની રસી મેળવવા વરિષ્ઠ નાગરિક જેવા દેખાવાના આશયથી મોજાં, ચશ્માં અને ટોપી પહેર્યાં હોવાનું ફ્લૉરિડાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું.

વાસ્તવમાં તેમની વય ૩૪ અને ૪૪ વર્ષની હોવાથી રસી લેવા માટે તેઓ પાત્ર ઠર્યાં નહોતાં. બુધવારે વૅક્સિનનો બીજો ડોઝ લેવા ગયાં એ વખતે તેમની આ ચાલાકી પકડાઈ ગઈ હતી. જોકે પહેલો ડોઝ તેમણે કઈ રીતે મેળવ્યો એ વિશે કોઈ જાણકારી મળી શકી નથી. બન્ને મહિલાઓ પાસે સીડીસી કાર્ડ, વૅક્સિનેશન કાર્ડ વગેરે માન્ય હતાં, પરંતુ તેમનાં આઇડી અને ડ્રાઇવિંગ લાઇસન્સ એની સાથે મેળ ખાતાં ન હોવાથી રસી આપનાર કર્મચારીઓએ પોલીસ બોલાવવી પડી હતી.

આ બન્ને મહિલાઓએ ક્યાં અને કેવી રીતે રસીનો પહેલો ડોઝ મેળવ્યો એ હજી સુધી જાણી શકાયું નથી. જોકે આમ કરીને બન્ને મહિલાઓએ રસી મેળવવાને પાત્ર બે વ્યક્તિનો હક છીનવી લીધો છે તેમ જ સરકારી તંત્રનો સમય પણ બરબાદ કર્યો છે. હાલમાં તો પોલીસે બન્નેને ચેતવણી આપીને જવા દીધી છે.

offbeat news coronavirus covid19 international news florida