11 January, 2023 11:21 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ડૉ. અલી ઈરાની અને સુજૉય કુમાર
ભારતના ડૉ. અલી ઈરાની અને સુજૉય કુમાર મિત્રાએ માત્ર ૪ દિવસની અંદર વિશ્વના ૭ ખંડોને આવરી લેતો પ્રવાસ કરીને નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. તેમણે ઍન્ટાર્કટિકા, સાઉથ અમેરિકા, યુરોપ, નૉર્થ અમેરિકા, આફ્રિકા, એશિયા અને ઓશનિયા જેવા તમામ ખંડોની રેકૉર્ડબ્રેક ટાઇમમાં મુલાકાત લીધી હતી. આ બન્નેએ ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં પોતાનો પ્રવાસ પૂરો કર્યો ત્યારે તેમણે અગાઉનો રેકૉર્ડ ૧૩ કલાકના અંતરથી તોડ્યો હતો. ઈરાની અને મિત્રાએ તેમનો પ્રવાસ ૨૦૨૨ની ૪ ડિસેમ્બરથી ઍન્ટાર્કટિકાથી શરૂ કર્યો હતો અને મેલબર્નમાં ૨૦૨૨ની ૭ ડિસેમ્બરે પૂરો કર્યો હતો. ૬૪ વર્ષના ઈરાનીએ ભારતીય ક્રિકેટ ટીમના ફિઝિયોથેરપિસ્ટ તરીકે પણ કામ કર્યું છે. ઈરાનીએ અત્યાર સુધી ૯૦ દેશોની મુલાકાત લીધી હતી, જ્યારે મિત્રાએ ૧૭૨ દેશોની મુલાકાત લીધી છે. ઈરાનીએ જણાવ્યું કે મુસાફરી વિશ્વભરના લોકોને એક કરે છે. વર્લ્ડ રેકૉર્ડ તોડવા એ એક સંતોષની લાગણી છે. અગાઉનો રેકૉર્ડ યુએઈના ખાવલા અલરોમૈથીએ કર્યો હતો, જે ફેબ્રુઆરી ૨૦૨૦માં બન્યો હતો.