16 September, 2023 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાતોરાત પોતાના જ રસોડાને કોકો સ્પ્રેડ કિચનમાં ફેરવી નાખ્યું
તમે ઊઠીને સીધા કિચનમાં જાઓ અને બ્રેકફાસ્ટ રેડી મળી જાય તો કેવા ખુશ થઈ જાઓ, પણ જો તમારા બ્રેડ પર લગાવવાના કોકો સ્પ્રેડથી આખું કિચન રંગીલું જોવા મળે તો? કોઈને પણ આ દૃશ્ય મીઠી મૂંઝવણમાં મૂકી શકે છે. જી હા, ઑસ્ટ્રેલિયાની એક વ્યક્તિએ તેનાં ઘરના આખા કિચનને કોકો સ્પ્રેડથી રંગી દેતાં ઇન્ટરનેટને ચૉકલેટી સવાલમાં મૂકી દીધું હતું. દીવાલ, પ્લૅટફૉર્મ, ઉપકરણો તો ઠીક, નળ અને કીટલી પણ હેઝલનટ સ્પ્રેડમાં રંગી દેવાયું છે. ટિકટૉક યુઝર કેહસ્પિકઅપના અકાઉન્ટ દ્વારા પોસ્ટ કરાયેલા વિડિયોમાં કૈહ પ્રથમ સાદા કિચનનાં દૃશ્યો બતાવે છે. ત્યાર બાદ રંગાયેલા કિચનનો વિડિયો બતાવે છે. ત્યાં એક ટૂંકું લખાણ પણ છે, જેમાં આ વાતનો ખુલાસો અપાયો છે કે શા માટે કૈહે આવું કરવાનું વિચાર્યું. કૅપ્શનમાં દર્શાવ્યું કે હું હંમેશાં એક કોકો સ્પ્રેડહાઉસ ચાહતો હતો. જોકે કમેન્ટમાં દાવો કરાયો છે કે તેનો નાનો ભાઈ આવું જ ચાહતો હતો. અન્ય ફૉલોઅપ વિડિયોમાં કૈહે આ પ્રૅન્કની પ્રોસેસ પણ બતાવી છે. પ્રથમ તેણે આખી સપાટીને કોઈક રીતે કવર કરીને બાદમાં નટેલાને એની ઉપર લગાવ્યું છે. જોકે કૈહ દ્વારા આના વિશે વધુ વાત કરતાં જણાવાયું હતું કે લોકો વિચારે એટલું આ સાફ કરવાનું અઘરું નથી. લોકો કમેન્ટમાં સવાલ કરી રહ્યા છે કે કોની પાસે આટલા પૈસા છે કે આટલા પ્રમાણમાં કોકો સ્પ્રેડ વાપરી શકે?