09 June, 2025 01:28 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના કાનપુરમાં રામનરેશ મિશ્રા નામના ભાઈનો ૨૧ વર્ષનો દીકરો રાજ ભણવાનું છોડીને કરિયાણાની દુકાનમાં કામ કરવા લાગ્યો હતો. તેને દુકાન પર ગુટકા ખાવાની લત લાગી ગઈ હતી. શુક્રવારે રાતે તે જ્યાં રહેતો હતો એ વિસ્તારમાં વીજળી જતી રહી હતી. પંખો ન હોવાથી રાતે બે વાગ્યે રાજ બીજા માળે સૂવા જતો રહ્યો હતો. તેને રાતે ગુટકા ખાવાની આદત હતી એટલે ઊંઘમાં ને ઊંઘમાં તે બીજા માળના છજા પર ચડ્યો અને ત્યાંથી થૂંકવા માટે નમ્યો હતો. જોકે એ વખતે સંતુલન જતાં તે નીચે પડ્યો હતો. અંધારું હોવાથી પહેલાં તો છત પર બેઠેલા લોકો કંઈ સમજી જ ન શક્યા, પણ જ્યારે રાજને આજુબાજુમાં ન જોયો ત્યારે તેની શોધ ચલાવી તો નીચે ઘાયલ અવસ્થામાં પડેલો મળ્યો હતો. પરિવારજનો અંધારામાં જ તેને ઉઠાવીને નજીકમાં આવેલા ટ્રૉમા સેન્ટરમાં પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. રાજ એ રામ નરેશ મિશ્રાનો એકનો એક દીકરો હતો અને તેનું આવું અકાળ મૃત્યુ થતાં પરિવારજનો હચમચી ગયા હતા.