બૉસને પરેશાન કરવા કર્મચારીએ કોવિડના દરદીની લાળ ખરીદી, ડ્રિન્કમાં ભેળવી

10 February, 2021 10:59 AM IST  |  Turkey | Gujarati Mid-day Correspondent

બૉસને પરેશાન કરવા કર્મચારીએ કોવિડના દરદીની લાળ ખરીદી, ડ્રિન્કમાં ભેળવી

ટર્કીમાં એક અનોખી ઘટના બની હતી. ૫૦૦૦ રૂપિયા (૫૦૦ ટર્કિશ લિરા)માં કોરોનાના દરદીની લાળ ખરીદીને બૉસના ડ્રિન્કમાં ભેળવીને તેને મારી નાખવાના પ્રયાસનો દાવો કરવામાં આવ્યો છે. એક કાર ડીલર કંપનીના માલિકે તેના એક કર્મચારીએ આવો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું છે. દક્ષિણ ટર્કીના અદાના શહેરના રહેવાસી ઇબ્રાહિમ ઉર્વેન્ડીએ તેના કાર ડીલર શોરૂમમાં ત્રણ વર્ષથી કામ કરતા કર્મચારીએ તેને કોરોનાનો ચેપ લગાડવાનો પ્રયત્ન કર્યો હોવાનો આરોપ મૂકતી ક્રિમિનલ કમ્પ્લેઇન સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં કરી છે. કાર ડીલરે ફરિયાદમાં જણાવ્યું છે કે થોડા દિવસ પહેલાં તેઓ કારના વેચાણ સંબંધી વ્યવહાર માટે એ કર્મચારી સાથે બહાર ગયા હતા. ત્યાર પછી કારના વેચાણની રકમ ૨,૧૫,૦૦૦ ટર્કિશ લિરા (અંદાજે ૨૨ લાખ રૂપિયા) તેના હાથમાં આપીને ઑફિસમાં જમા કરાવવાનું કહ્યું હતું. જોકે રૂપિયા તેના હાથમાં આવ્યા પછી તે ફોનના જવાબ આપતો નહોતો. તેણે બીજા દિવસે ફોન ઉપાડ્યો અને કહ્યું કે તેણે તેનું અગાઉનું દેવું ચૂકવવામાં એ પૈસા વાપર્યા છે. એ રૂપિયા લઈને રફુચક્કર થતાં પહેલાં એ માણસે ૫૦૦ ટર્કિશ લિરા (૫૦૦૦ રૂપિયા)માં ખરીદેલી કોરોનાના દરદીની લાળ પીણામાં ભેળવીને તેને પિવડાવવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો પણ ઇબ્રાહિમ ઉર્વેન્ડીએ કર્યો હતો. સદ્નસીબે બૉસે એ પીણું પીધું નહોતું. એ ભૂતપૂર્વ કર્મચારી પર હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઇબ્રાહિમે લૉ સ્યૂટ ફાઇલ કર્યો છે અને પોલીસ આરોપીને શોધી રહી છે. 

offbeat news international news turkey