સ્ટ્રૉન્ગ અને સહનશીલ બનવા પાંચ વર્ષથી રોજ આ ભાઈ ઝાડ સાથે માથું અફાળે છે

15 May, 2020 08:50 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

સ્ટ્રૉન્ગ અને સહનશીલ બનવા પાંચ વર્ષથી રોજ આ ભાઈ ઝાડ સાથે માથું અફાળે છે

માથે અને શરીર પર થતા જખમો રુઝાઈ શકતા નહોતા, કારણ કે તે રોજ ઝાડ સાથે શરીર અને માથું અફાળતો રહેતો હતો.

દક્ષિણ કોરિયાની રાજધાની સૉલની નજીકના સિન્ચોન શહેરનો એક ચર્મકાર છેલ્લાં પાંચેક વર્ષથી દરરોજ ઝાડ સાથે કપાળ, માથું અને આખું શરીર અફાળતો જોવા મળે છે. એવું કરવાનું કારણ આશ્ચર્યજનક છે. એ ચર્મકાર પોતાને મજબૂત બનાવવા અને સહનશીલતા કેળવવા એ પ્રવૃત્તિ નિયમિત રીતે કરે છે. સાઉથ કોરિયામાં લોકપ્રિય ટીવી શો X SBS WOWમાં એ ઘટના જણાવવામાં આવી અને એ માણસને ઝાડ સાથે માથું અફાળતો બતાવવામાં આવ્યો ત્યારે લોકો માનવા તૈયાર નહોતા, પરંતુ એ માણસના કપાળ પરનાં ઢીમચાં આ વાત સાચી હોવાના પુરાવારૂપ બન્યાં હતાં.
X SBS WOWના રિપોર્ટર અને કૅમેરામૅન એ ચર્મકાર પાસે પહોંચ્યા અને તેનાં રોજિંદા કાર્યોની ફિલ્મ ઉતારી હતી. ફિલ્મ ઉતારવા ગયેલા બે જણે જોયું કે પેલો ચર્મકાર તેની દુકાનમાંથી બહાર આવ્યો અને થોડી વાર સુધી આળસ મરડીને તેણે હાથ હવામાં ઉછાળ્યા અને પછી પોતાના ખભા ઝાડના થડ સાથે અથડાવા માંડ્યો હતો. ત્યાર બાદ તેણે માથું જોરથી ઝાડના થડ પર અફાળવા માંડ્યું હતું. એક તબક્કે તો પેલા રિપોર્ટરે જ્યારે કપાળ પરથી લોહી નીકળતું જોયું ત્યારે તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. એ વખતે ચર્મકારે કહ્યું કે આ મારી રોજની બાબત છે. એમાં કાંઈ ડરવા જેવું નથી. એના માથે અને શરીર પર થતા જખમો રુઝાઈ શકતા નહોતા, કારણ કે તે રોજ ઝાડ સાથે શરીર અને માથું અફાળતો રહેતો હતો. જોકે એ રોજ માથે ઍન્ટિસેપ્ટિક મલમ લગાડતો હતો.
ટીવી-શોના રિપોર્ટરે આવો વિચિત્ર વ્યાયામ કરવાનું કારણ પૂછતાં ચર્મકારે જણાવ્યું કે ‘હું ટીનેજર હતો ત્યારે મને બૉક્સિંગનો ઘણો શોખ હતો, પરંતુ પરણ્યા પછી સંસાર માંડ્યો અને પરિવારની જવાબદારીઓ નિભાવવાની આવી ત્યારે એ શોખ માટે સમય અને પૈસા સહિત ઘણી સમસ્યા ઊભી થઈ હતી, પરંતુ મજબૂતાઈ અને સહનશીલતા કેળવવા ઉપરાંત લોકોને ‘મુઝ સે પંગા ના લેના’ એવો સંદેશ આપવાના ઇરાદાથી ૨૦ વર્ષથી નવો વ્યાયામ શરૂ કર્યો છે.

offbeat news international news