પ્રવાસીઓમાં પૉપ્યુલર થઈ ગયો છે સાઉથ કોરિયાનો આ પર્પલ આઇલૅન્ડ

12 July, 2020 09:01 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

પ્રવાસીઓમાં પૉપ્યુલર થઈ ગયો છે સાઉથ કોરિયાનો આ પર્પલ આઇલૅન્ડ

પર્પલ આઇલૅન્ડ

પર્યટનના શોખીનો સોશ્યલ મીડિયા પર વિવિધ સ્થળોની ચર્ચા કરતા રહે છે. ખાસ કરીને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર સાઉથ કોરિયાની ઘણી ચર્ચા કરવામાં આવે છે. તમે પણ જો એવા શોખીન હો અને સાઉથ કોરિયા જવાનું વિચારતા હો તો ઇન્સ્ટાગ્રામ પર પર્પલ આઇલૅન્ડની મુલાકાત જરૂર લેજો. કોરોના લૉકડાઉનમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ શક્ય બનતો નથી, પરંતુ આ સમયનો ઉપયોગ ભવિષ્યમાં કોઈ નવા સ્થળની મુલાકાત માટે પ્લાનિંગ કરવાની દૃષ્ટિએ ઉત્તમ છે.
ઇન્સ્ટાગ્રામ પર પ્રવાસને લાયક સારાં અને નવાં આકર્ષક સ્થળોની શોધ ચલાવતા હો તો પર્પલ આઇલૅન્ડની તસવીરો તમને અચૂક મોહી લેશે. નામ પ્રમાણે રીતસર આ ટાપુ જાંબુડી રંગનું સ્વર્ગ છે. વૃક્ષો, ફૂલો, મકાનો બધાં જાંબુડી રંગનાં છે. બ્રિજ અને રોડ સુધ્ધાં જાંબુડી રંગના છે. લાકડાના બ્રિજથી જોડવામાં આવેલા બનવૉલ આઇલૅન્ડ અને પાર્કજી આઇલૅન્ડને જાંબુડી રંગના બનાવવાનો વિચાર કેવી રીતે સ્ફુર્યો એ જાણવા મળતું નથી, પરંતુ ગયા ઉનાળે સાઉથ જેઓલા પ્રોવિન્સના સિનાન પ્રાંતના સત્તાવાળાઓએ પેલા બે ટાપુઓના ક્ષેત્રને પર્યટન-સ્થળરૂપે વિકસાવવાનું નક્કી કર્યું. એ આયોજનમાં ૪૦,૦૦૦ લૅવન્ડર પ્લાન્ટ્સ અને હજારો એમ્પ્રેસ ટ્રીઝ રોપવાનો સમાવેશ હતો. બનવૉલ આઇલૅન્ડ અને પાર્કજી આઇલૅન્ડને જોડતો ચેઓન્સા કે એન્જલ બ્રિજ જોવા જેવો છે. એ બ્રિજ પણ જાંબુડી રંગનો છે. વર્ષાઋતુ કે શરદઋતુમાં જાંબુડી રંગની હોટેલના જાંબુડી રૂમ્સમાં રહેવાની મોજ પડશે. એક દિવસના કોરિયન ચલણ ૫૦,૦૦૦ વોન એટલે કે ૩૧૦૦ રૂપિયા ભાડામાં પર્પલ રૂમ્સ ઉપલબ્ધ છે. આ તસવીરો જોશો તો સાચે જ ક્યારે લૉકડાઉન પૂરું થાય એની રાહ જોતા થઈ જશો.

international news offbeat news south korea