ડિસ્પોઝેબલ ફેસ માસ્કમાંથી ટિપોઈ બનાવે છે આ ભાઈ

11 December, 2020 09:18 AM IST  |  South Korea | Gujarati Mid-day Correspondent

ડિસ્પોઝેબલ ફેસ માસ્કમાંથી ટિપોઈ બનાવે છે આ ભાઈ

ડિસ્પોઝેબલ ફેસ માસ્કમાંથી બનાવેલી ટિપોઈ

કોરોના વાઇરસના સમયમાં ફેસ માસ્કનો વપરાશ ખૂબ જ જરૂરી છે. એવામાં પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ ફેસ માસ્કને જ્યાં-ત્યાં ફેંકી દેવાના કિસ્સાઓ આપણો વાંચ્યા જ છે. આવા સમયે આ ડિસ્પોઝેબલ માસ્કમાંથી ત્રણ પગવાળાં ટેબલ બનાવ્યાં છે સાઉથ કોરિયાના ફર્નિચર ડિઝાઇનના સ્ટુડન્ટ કિમ હા નેઉલે.

ડિસ્પોઝેબલ ફેસ માસ્કનો નિકાલ કરવા વિશે વિચારતાં કિમ નેઉલને થયું કે જો પ્લાસ્ટિકને રીસાઇકલ કરી શકાય તો પોલીપ્રોપલીનના બનેલા માસ્કને કેમ નહીં? એક ટેબલ તૈયાર કરવા માટે લગભગ ૧૫૦૦ જેટલા માસ્કની આવશ્યકતા હોય છે. આ માટે કિમે સ્કૂલો પાસે માસ્ક કલેક્શન બૉક્સ મૂક્યાં. અત્યાર સુધીમાં તેને ૧૦,૦૦૦ કરતાં વધુ વપરાયેલા માસ્ક મળ્યા તેમ જ ફૅક્ટરીમાંથી થોકબંધ ડિફેક્ટિવ માસ્ક મળ્યા.

વપરાયેલા માસ્ક મળ્યા પછી કોરોના વાઇરસના સંક્રમણનું જોખમ ટાળવા કિમ નેઉલ લગભગ ચાર દિવસ સુધી એને સાઇડમાં રાખી મૂકે છે. ત્યાર બાદ એમાંથી ઇલાસ્ટિક બૅન્ડ અને વાયર દૂર કરી માસ્કને ૩૦૦ ડિગ્રી (૫૭૦ ડિગ્રી ફેરનહીટ) પર ગરમી આપી માસ્કને પીગાળીને ત્યાર બાદ એમાંથી ૪૫ સેન્ટિમીટર (૧૮ ઇંચ)ના માપનું ટેબલ તૈયાર કરે છે.

જોકે કિમ નેઉલ ટેબલ ઉપરાંત આ માસ્કમાંથી અન્ય ફર્નિચર પણ બનાવવા માગે છે. જોકે હજી સુધી આ ટેબલ વેચાવા માટે બજારમાં મુકાયાં નથી.

offbeat news international news south korea