જપાનના આ ભાઈ માટીમાં છીછી કરવી જોઈએ એવું માને, અને બીજાને સમજાવે પણ છે

20 February, 2020 09:00 AM IST  |  Mumbai Desk

જપાનના આ ભાઈ માટીમાં છીછી કરવી જોઈએ એવું માને, અને બીજાને સમજાવે પણ છે

જપાનના નાનકડા ઇબરાકી શહેરમાં રહેતા ધંધાદારી ફોટોગ્રાફર મસાના ઇઝાવા ૪૫ વર્ષથી ઘરના ટૉઇલેટમાં છીછી કરવા જતા નથી. ૭૦ વર્ષના ઇઝાવાએ છેલ્લાં ૨૦ વર્ષમાં માંડ ૧૪ વખત ઘરના ટૉઇલેટમાં મળવિસર્જન કર્યું હશે. ઇઝાવા શહેરમાં હોય કે ગામડામાં તેમને છીછી તો ખુલ્લા વાતાવરણમાં જ કરવાનું ફાવે છે. પ્લમ્બિંગમાં મળવિસર્જન કરવાને બદલે માટીમાં કરવાની માનવીની જવાબદારી હોવાનું મસાના ઇઝાવાનું માનવું છે. વિસર્જિત મળ નકામો પદાર્થ નહીં હોવાનું ઇઝાવા લોકોને સમજાવે છે.
મસાના ઇઝાવાની એ ‘ફન્દોશી’ ફિલોસૉફી છે અને એ પોતાને ‘ફન્દોશી’ કે ‘પૂપ સોઇલ માસ્ટર’ તરીકે ઓળખાવે છે. તેઓ કહે છે કે આપણે આહાર દ્વારા કુદરત પાસે જીવન મેળવ્યું હોય તો કુદરતને જીવન પાછું આપવું એ આપણી ફરજ અને જવાબદારી છે. ઘરના ટૉઇલેટમાં જ મળવિસર્જન કરવા જેવી અનેક રોજિંદી કામગીરીઓમાં બીબાઢાળ અને એકધારી આદત સમાન રીતો છોડીને કુદરતને સમજીને રીતરસમો અપનાવવાનો અનુરોધ મસાના ઇઝાવા કરે છે.
મસાના ઇઝાવા માટીમાં ખાડો કરીને એમાં મ‍ળવિસર્જન કરવાની અને એના પર માટી પાથરી દેવાની સલાહ આપે છે. તેઓ કહે છે કે ‘જમીન પર મળવિસર્જન કર્યા બાદ એના પર માટી નાખતી વેળા ધરતી ફરી જીવંત થતી હોય છે. મળ માટી સાથે ભળતાં વૃક્ષો અને છોડવાઓને પોષણ મળે છે.

japan offbeat news international news