આ ભાઈએ ઘરના બગીચાની નીચે બનાવી ટનલ

22 June, 2022 10:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક સ્ટન્ટમૅને પોતાના ઘરની નીચે જ ટનલ બનાવી છે, પણ એ માટે તેનો સુધરાઈ સાથે વિવાદ થયો હતો.

ઘરના બગીચાની નીચે બનાવી ટનલ

એક સ્ટન્ટમૅને પોતાના ઘરની નીચે જ ટનલ બનાવી છે, પણ એ માટે તેનો સુધરાઈ સાથે વિવાદ થયો હતો. ૪૨ વર્ષના કૉલિન ફર્ઝેને તેના બંકરને ઘર સાથે જોડવા માટે ગાર્ડનની નીચે ૪ ફુટ પૅસેજ ખોદવામાં ત્રણ વર્ષ લાગ્યાં હતાં. બંકર બાંધવા માટે તો મંજૂરી આઠ વર્ષ પહેલાં મળી ગઈ હતી, પરંતુ ઘર અને બંકરને જોડતી ટનલ માટે નહોતી મળી. ફેસબુક પર આ ટનલને મળેલી પ્રસિદ્ધિ બાદ એક પ્લાનિંગ ઇન્સ્પેક્ટરે પણ આ સ્થળની મુલાકાત લીધી હતી. 


લિંકનશરમાં રહેતા ફર્ઝે બંકરમાં ફ્લૅટ સ્ક્રીન ટીવી, ડ્રમ કિટ, વિડિયો કૉન્સોલ પણ મૂક્યાં હતાં. તે ઇચ્છતો હતો કે તે પોતાના બંકરમાં બહારથી જવાને બદલે સીધો ઘરમાંથી જ જાય. હાલમાં તેણે બનાવેલી ટનલ માત્ર કિચન પૅન્ટ્રીને તેના ઘરના શેડ સાથે જોડે છે. તે બંકરને જોડતી કુલ ૧૫ મીટર લાંબી ટનલ બનાવવા માગે છે અને એ માટે તેણે ફરી પાછી મંજૂરી લેવી પડશે. જોકે સુધરાઈ દ્વારા આરોગ્ય અને સલામતીનું કારણ આગળ ધરીને આ યોજના સામે તીવ્ર વાંધો ઉઠાવ્યો છે. 


૨૦૧૮માં જ્યારે તેણે આ ટનલ બનાવી ત્યારે પણ અનેક ફૉલોઅર્સને તમામ ગતિવિધિથી માહિતગાર કર્યા હતા. શરૂઆતમાં તે તમામ વાતને ગુપ્ત રાખવા માગતો હતો, પરંતુ લાખો લોકો તેને ફૉલો કરી રહ્યા હતા. કુલ ૧.૨ કરોડ ફૉલોઅર ધરાવતા ફર્ઝેના જણાવ્યા પ્રમાણે લોકો ટનલ વિશે પૂછે તો તેમને ગમે છે.

offbeat news