ટેક્નૉલૉજીની મદદથી ચાર વર્ષ પહેલાં મૃત્યુ પામેલી પુત્રીને મળી આ લેડી

14 February, 2020 10:34 AM IST  |  Mumbai Desk

ટેક્નૉલૉજીની મદદથી ચાર વર્ષ પહેલાં મૃત્યુ પામેલી પુત્રીને મળી આ લેડી

ટેક્નૉલૉજી એટલીબધી આગળ વધી ગઈ છે કે તમે એની મદદથી તમારા મૃત સંબંધીને પણ તમારી સમક્ષ તાદૃશ કરી શકો છે. કોરિયાની એક મહિલાએ ટેક્નૉલૉજીની મદદથી ચાર વર્ષ પહેલાં બ્લડ કૅન્સરથી મૃત્યુ પામેલી તેની પુત્રી સાથે મુલાકાત કરી, તેની સાથે વાતો કરી, તેને સ્પર્શ સુધ્ધાં કર્યો અને વર્ષગાંઠની કૅન્ડલ બુઝાવીને કેક પણ કાપી.

આ આખો કાર્યક્રમ ટેલિવિઝનની ડૉક્યુમેન્ટરી માટે તૈયાર કરવામાં આવ્યો હતો, જેને સાઉથ કોરિયાના દર્શકોએ જોયો હતો. આ કાર્યક્રમ માટે પ્રોડક્શન-ટીમે મૃત છોકરીના વિડિયો અને ફોટોની મદદથી આઠ મહિનાની જહેમત પછી તેની થ્રીડી ઇમેજ તૈયાર કરી હતી. આ ડૉક્યુમેન્ટરીને પગલે મૃત્યુ પામેલા પ્રિયજનોને મળવા અને વાતચીત કરવાથી પડનારી અસરો વિશે ચર્ચા કરવામાં આવી હતી. કેટલાકનું માનવું છે કે આવી મુલાકાત સંતોષ આપે છે. ઘણી વાર મરનાર વ્યક્તિને સરખી રીતે વિદાય ન આપી શકાઈ હોય તો આ પ્રકારની મુલાકાતથી આ દુઃખ મિટાવી શકાય છે, જ્યારે બીજા કેટલાક લોકોનું માનવું છે કે પ્રિયજનોના મૃત્યુથી શોકગ્રસ્ત બનેલા પરિવારજનો વધુ દુ:ખમાં સરી પડે છે.

technology news international news offbeat news