આ છે આપણો બહાદુર બાઇકલિફ્ટર

22 September, 2021 12:33 PM IST  |  Mumbai | Agency

આ જુગાડ જોવામાં પણ જેટલો મુશ્કેલ લાગે છે એટલો જ કરનાર માટે પણ મુશ્કેલ છે.

આ છે આપણો બહાદુર બાઇકલિફ્ટર

આપણા વેઇટલિફ્ટરો તો જગવિખ્યાત છે જ, હવે કદાચ બાઇકલિફ્ટર પણ ફેમસ થઈ જાય તો નવાઈ નહીં. આપણા દેશમાં જો કોઈ કામ ન થાય કે પછી એ કામ કરવામાં મુશ્કેલી આવતી હોય તો લોકો એ કામ કરવાનો સરળ રસ્તો શોધી કાઢે છે અને એ છે જુગાડ. સોશ્યલ મીડિયામાં પણ ભારતીયોના આવા દેશી જુગાડના વિતિડયો વાઇરલ થતા જ હોય છે. આ‍વો જ એક વિડિયો વાઇરલ થયો છે જે જોઈને આપણે આશ્ચર્યચકિત થયા વિના ન રહીઓ. એમાં બાઇકને બસની ઉપર ચડાવવા માટે ગજબનો જુગાડ કરવામાં આવ્યો છે. આ જુગાડ જોવામાં પણ જેટલો મુશ્કેલ લાગે છે એટલો જ કરનાર માટે પણ મુશ્કેલ છે.
આ વિડિયો આઇપીએસ અધિકારી રૂપીન વર્માએ ટ્વિટર પર શૅર કર્યો છે. એમાં કૅપ્શન આપી છે, ‘વાહ, શું બૅલૅન્સ છે.’ વિડિયોમાં એક બસ ઊભી છે અને એ બસ પાસે ૪ જણ એક બાઇકને બસની ઉપર ચડાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ શક્ય ન બનતાં ૪માંથી એક વ્યક્તિ બાઇકને પોતાના માથા પર મૂકે છે અને એને બૅલૅન્સ કરીને સીડી પરથી ધીરે-ધીરે બસની ઉપર ચડી જાય છે.
આટલી મોટી બાઇક માથા પર મૂકીને આટલી સહેલાઈથી સીડી પર ચડવું બહુ મુશ્કેલ છે, પરંતુ આ યુવાન બહુ સરળતાથી બાઇકને માથા પર મૂકીને બસની ઉપર ચડી ગયો હતો. તેને જોઈને તો એવું જ લાગે જાણે બાઇકનું કોઈ વજન જ ન હોય.

offbeat news