14 November, 2026 12:50 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
ચોરની મહેનત બેકાર
બિહારમાં પંજાબ નૅશનલ બૅન્કના એક ઑટોમેટેડ ટેલર મશીન (ATM)માં ચોરીના ઇરાદે ઘૂસેલા એક ચોરે આખી રાત ખૂબ મહેનત કરી પણ તેના હાથમાં કંઈ આવ્યું નહીં. બુધવારે રાતે ATMની બહાર કોઈ સિક્યૉરિટી ગાર્ડ નહોતો એ જોઈને માસ્ક પહેરેલો એક ચોર ATMનું શટર તોડીને અંદર ઘૂસ્યો હતો. તેણે લોખંડના સળિયાથી મશીન પણ તોડ્યું હતું. વહેલી સવારે જ્યારે એ જગ્યાએ રહેતા કુંદન સહા નામના ભાઈએ ATMનું શટર તૂટેલું જોયું એટલે તરત પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરી તો ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાં જોવા મળ્યું હતું કે ચોરે ખાસ્સા કલાકો સુધી મશીન તોડીને કૅશબૉક્સ કાઢવાની કોશિશ કરી હતી, પણ બૉક્સ ન મળતાં નિરાશ થઈને જતો રહ્યો હતો. જોકે ફુટેજમાં તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો હોવાથી પોલીસે ચોરને પકડી પાડ્યો હતો.