રૂનાં પૂમડાં નહીં, આ ચામાચીડિયાં છે

13 August, 2020 12:07 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

રૂનાં પૂમડાં નહીં, આ ચામાચીડિયાં છે

રૂનાં પૂમડાં નહીં, આ ચામાચીડિયાં છે

ચામાચીડિયાંની ૧૩૦૦ પ્રજાતિઓ છે અને એમાંથી જોવી ગમે એવી પ્રજાતિઓ જૂજ છે. સફેદ ચામાચીડિયાં એવી જ એક પ્રજાતિ છે. નાનકડાં હોન્ડુરન વાઇટ બૅટ્સને કૅરિબિયન વાઇટ ટેન્ટ મેકિંગ બૅટ્સ તરીકે પણ ઓળખાય છે. આ સફેદ રંગનાં સસ્તન પક્ષીઓ મધ્ય અમેરિકાના દેશોમાં ખાસ કરીને હૉન્ડુરાસ, નિકારાગ્વા, કોસ્ટારિકા તથા પનામાના પશ્ચિમ ભાગમાં વિશેષ રૂપે જોવા મળે છે. સફેદ રીંછ કે પૉમેરેનિયન શ્વાનોને જેવી સફેદ રુવાંટી હોય એવી રુવાંટી ધરાવતાં આ ચામાચીડિયાંનું કદ સાવ નાનું હોય છે. મોટાં–કાળાં ચામાચીડિયાં કરતાં આ પ્રકારના ચામાચીડિયાંનાં લક્ષણો સાવ જુદાં હોય છે. આ ચામાચીડિયાં ગુફાઓ, ખંડિયેરો કે અવાવરું ઘરોમાં રહેતાં નથી અને અન્ય પશુઓનું લોહી ચૂસતાં નથી. પાંચ સેન્ટિમીટર જેટલી લંબાઈ ધરાવતાં ચામાચીડિયાં રૂનાં પૂમડાં જેવાં દેખાય છે. સફેદ ચામાચીડિયાં હેલિકોના વનસ્પતિનાં છોડવા-વૃક્ષોમાં હંગામી વસાહતો બનાવીને થોડા-થોડા વખત માટે રહે છે. નાનાં પશુ-પક્ષીઓ માટે એમનો રંગ જંગલમાં અન્ય મોટાં પશુ-પક્ષીઓથી રક્ષણનું કારણ બને છે. એ પ્રમાણે હૉન્ડુરાસ બૅટ્સનો સફેદ રંગ પણ એમને મદદરૂપ થાય છે. હૉન્ડુરાસનાં જંગલો સફેદ રંગનાં ‍ફૂલ-પાંદડાંવાળી વનસ્પતિ માટે જાણીતાં છે. પાંદડાં વચ્ચેથી ચળાઈને આવતા સૂર્યપ્રકાશમાં એ ચામાચીડિયાંની રુવાંટી પર લીલી ઝાંય પથરાતી હોવાથી એ જ્યાં બેઠાં હોય એ ઝડપથી ધ્યાનમાં આવતું નથી. શિકારીના આગમનના સંકેત રૂપે ઝાડ કે છોડની ડાળી હલે ત્યારે એ ચામાચીડિયાં ઊડીને બીજા ઠેકાણે પહોંચી જાય છે. 

international news offbeat news