એક મંડપમાં બે યુવતી સાથે લગ્ન કર્યાં આ યુવકે

13 July, 2020 12:34 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

એક મંડપમાં બે યુવતી સાથે લગ્ન કર્યાં આ યુવકે

એક ગર્લફ્રેન્ડ છે તો બીજી મમ્મીની પસંદગીની

મધ્ય પ્રદેશના ભોપાલમાં આવેલા બૈતુલના ઘોડાડોંગરી તાલુકાના સલૈયા નામના ગામમાં થોડા દિવસ પહેલાં એક અનોખી ઘટના બની હતી. સંદીપ નામના એક યુવકે એક મંડપમાં બે કન્યાઓ સાથે લગ્ન કર્યાં હતાં. યસ, એક મંડપમાં એક જ સમયે ચોરીમાં એક દુલ્હાની સાથે બે દુલ્હન સજીધજીને ફેરા ફરી રહી હતી. નવાઈની વાત એ હતી કે આ લગ્ન ખાનગીમાં છુપાઈને નહીં, પરંતુ સમાજ અને પરિવારના વડીલોની સહમ‌તીથી થઈ રહ્યાં હતાં. બે કન્યામાંથી એક સંદીપની ગર્લફ્રેન્ડ હતી, તો બીજી કન્યા તેનાં મમ્મી-પપ્પાની પસંદગીની હતી.
સંદીપ ભોપાલમાં આઇઆઇટીનો અભ્યાસ કરી રહ્યો હતો અને ત્યાં તેને હોશંગાબાદી સુનંદા નામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. બીજી તરફ સંદીપના પેરન્ટ્સે તેને માટે કોયલારી ગામની શશિકલા નામની યુવતીની પસંદગી કરી લીધી હતી. લગ્ન બાબતે ત્રણેય પરિવારમાં વિવાદ થતાં પંચાયતે બન્ને યુવતીઓને બોલાવીને પૂછ્યું હતું. તેમની મરજી જાણ્યા પછી યુવકને બન્ને યુવતી સાથે લગ્ન કરવાની મંજૂરી પંચાયતે આપી હતી. આ અનોખાં લગ્નમાં વરવધૂના પરિવાર ઉપરાંત આખું ગામ જોવા ઊમટ્યું હતું. જોકે લગ્નનો વિડિયો વાઇરલ થતાં સ્થાનિક વહીવટી તંત્ર જાગ્યું હતું. કાનૂની રીતે આ લગ્ન માન્ય થઈ શકે એમ ન હોવાથી હવે વહીવટી તંત્ર તપાસ હાથ ધરી રહ્યું છે.

national news offbeat news