દુનિયાનું સૌથી મોંઘું બર્ગર ૯ લાખ રૂપિયામાં, જોકે તમે આૅર્ડર આપીને એ નહીં ખાઈ શકો

09 October, 2025 02:21 PM IST  |  Spain | Gujarati Mid-day Correspondent

સ્પેનના બાર્સેલોનામાં ધ ઍસાડોર ઑપા નામની રેસ્ટારાંએ વિશ્વનું સૌથી એક્સ્પેન્સિવ અને એક્સક્લુઝિવ બર્ગર તૈયાર કર્યું છે.

એક્સક્લુઝિવ ચીજોને કારણે બર્ગરની શુદ્ધતા અને સ્વાદ પણ ખૂબ જ અલગ છે એવો શેફ અને રેસ્ટોરાંના માલિકનો દાવો છે

સ્પેનના બાર્સેલોનામાં ધ ઍસાડોર ઑપા નામની રેસ્ટારાંએ વિશ્વનું સૌથી એક્સ્પેન્સિવ અને એક્સક્લુઝિવ બર્ગર તૈયાર કર્યું છે. એની કિંમત ૧૧,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૯ લાખ રૂપિયા જેટલી છે. બર્ગર મોટા ભાગે રેસ્ટારાંના મેનુમાં હંમેશાં અફૉર્ડેબલ વાનગીઓની યાદીમાં રહ્યું છે, પરંતુ સ્પેનની આ રેસ્ટોરાંએ ખાસ મહેનત કરીને એકદમ હટકે બર્ગર તૈયાર કર્યું છે. લગભગ ૮ વર્ષની મહેનત આ ખાસ બર્ગરની રેસિપી તૈયાર કરવામાં ગઈ છે. એમાં સોનાનો વરખ અને એવી મોંઘી ચીજો વપરાઈ છે, પરંતુ બર્ગર મોંઘું હોવો પાછળ એ જ કારણભૂત નથી. શેફનું કહેવું છે કે એમાં વપરાયેલો પ્રત્યેક કાચો માલ બહુ જ ચુનંદા છે અને એની વિશેષતાઓ માટે ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. એક્સક્લુઝિવ ચીજોને કારણે બર્ગરની શુદ્ધતા અને સ્વાદ પણ ખૂબ જ અલગ છે એવો શેફ અને રેસ્ટોરાંના માલિકનો દાવો છે. સામાન્ય રીતે બર્ગરને ફાસ્ટ-ફૂડ ગણવામાં આવે છે, પરંતુ આ બર્ગરની સૌથી મોટી ખાસિયત એ છે કે એ ફાસ્ટ-ફૂડ નથી. એની સામગ્રીથી લઈને બનાવવાની પ્રક્રિયામાં જે ધ્યાન રાખવામાં આવ્યું છે એ બર્ગરને હેલ્ધી અને શુદ્ધ ફૂડની કૅટેગરીમાં મૂકે છે એવો દાવો થઈ રહ્યો છે. 

જોકે તમારે આ બર્ગર ખાવું હોય તો એમ જ આ રેસ્ટોરાંમાં જઈને પૈસા આપી દેતાં મળી જશે એવું નથી. આ તેમના મેનુમાં નથી. આ બર્ગર તેમને જ મળે છે જેમને રેસ્ટોરાંનો માલિક આમંત્રણ આપીને બોલાવે છે. જો તમે ઇચ્છતા હો કે આવું આમંત્રણ તમને મળે તો પહેલાં રેસ્ટોરાંની વેબસાઇટ પર જઈને કેટલાક સવાલોના જવાબ આપવા પડે છે. જો એ જવાબોના આધારે માલિકને લાગશે કે તમે એ બર્ગરને લાયક છો તો તમને આમંત્રણ મળશે. અલબત્ત, એ પછી પણ તમારે ૯ લાખ રૂપિયા ચૂકવવા તો પડશે જ.

offbeat news spain international news world news food news