જંગલી વાંદરાએ કુરકુરિયાને ત્રણ દિવસ બાનમાં રાખ્યું

23 September, 2021 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાંદરો પપીને લઈને ઇલેક્ટ્રિક પોસ્ટ પર ચડી ગયો અને પછી ઝાડ પર બેસી ગયો હતો. સ્થાનિક લોકોએ તેમના વિસ્તારમાંથી ગુમ થયેલાં ડૉગી અને કૅટને પણ આ જ જંગલી વાંદરો લઈ ગયો હશે અને ઓહિયાં કરી ગયો હશે એવું અનુમાન કર્યું હતું.

જંગલી વાંદરાએ કુરકુરિયાને ત્રણ દિવસ બાનમાં રાખ્યું

મલેશિયામાં તાજેતરમાં એક જંગલી વાંદરો બે અઠવાડિયાંના પપીને લઈને ઇલેક્ટ્રિક પોસ્ટ પર ચડી ગયો હતો. એ વિસ્તારના લોકો લગભગ ત્રણ દિવસ બાદ પપીને જંગલી વાંદરાના કબજામાંથી મુક્ત કરાવી શક્યા હતા. 
વાંદરાના હાથમાં રહેલું નાનું સફેદ-કાળા રંગનું પપી કચરાના ઢગલામાં રમતું હતું, જેને જોઈને વાંદરો એને ઉપાડી ગયો હતો. વાંદરો પપીને લઈને ઇલેક્ટ્રિક પોસ્ટ પર ચડી ગયો અને પછી ઝાડ પર બેસી ગયો હતો. સ્થાનિક લોકોએ તેમના વિસ્તારમાંથી ગુમ થયેલાં ડૉગી અને કૅટને પણ આ જ જંગલી વાંદરો લઈ ગયો હશે અને ઓહિયાં કરી ગયો હશે એવું અનુમાન કર્યું હતું.
સ્થાનિક લોકોએ પપીને જંગલી વાંદરાના હાથમાંથી છોડાવવા ત્રણ દિવસ સુધી મથામણ કરી હતી. છેક ત્રીજા દિવસે પથ્થર અને લાકડાના ટુકડાઓ ફેંકીને વાંદરાને ડરાવવામાં તેઓ સફળ થયા હતા. વાંદરાના હાથમાંથી નીચે ઝાડીઓમાં પડી ગયેલું પપી ખૂબ થાકેલું અને ડરી ગયેલું હતું. હા, જંગલી વાંદરાએ એને નખ નહોતા માર્યા તેમ જ એને સહેજ પણ ઈજા નહોતી પહોંચાડી. બની શકે કે લોકો પપીને છોડાવવા પાછળ પડી ગયા હતા એટલે જ વાંદરાએ એના પરનો કબજો છોડવો પડ્યો હશે.

offbeat news world news international news malaysia