રેસિંગ કબૂતરે એક ખોટો ટર્ન લેતાં ૫૦૦૦ માઇલ દૂર પહોંચી ગયું

03 July, 2022 02:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બધાના આશ્ચર્ય વચ્ચે બૉબ મેક્સિયા, અલાબામામાં એક બગીચામાં આવ્યું અને ત્યાં એ ઊડી ન શકતાં એને પ્રાણીઓના આશ્રયસ્થાનને સોંપવામાં આવ્યું હતું.

રેસિંગ કબૂતરે એક ખોટો ટર્ન લેતાં ૫૦૦૦ માઇલ દૂર પહોંચી ગયું

રેસિંગ કબૂતર બૉબે એક ખોટો વળાંક લેતાં એ એના ગંતવ્ય સ્થાન ઇંગ્લૅન્ડના ટાઉન ગેટ્સહેડને બદલે ૫૦૦૦ માઇલ દૂર અમેરિકાના અલાબામા પહોંચી ગયું હતું. બૉબના માલિક ઍલને કહ્યું કે લગભગ ત્રણ અઠવાડિયાં સુધી કબૂતર પાછું ન આવતાં તેણે એ નાસી ગયાનું કે એની સાથે કાંઈક અઘટિત બન્યાનું માની લીધું હતું. બધાના આશ્ચર્ય વચ્ચે બૉબ મેક્સિયા, અલાબામામાં એક બગીચામાં આવ્યું અને ત્યાં એ ઊડી ન શકતાં એને પ્રાણીઓના આશ્રયસ્થાનને સોંપવામાં આવ્યું હતું.
આશ્રયસ્થાનના સંચાલકોએ બૉબને ફૂડ આપ્યું અને એની માઇક્રોચિપ સ્કૅન કરી ત્યારે તે ઍલનનો હોવાનું જણાયું હતું. ઝૂમ કૉલ દ્વારા એની ઓળખ સ્થાપિત કરતાં ઍલને કહ્યું હતું કે એ થોડું દૂબળું પડી ગયું છે, પરંતુ ઘરે અમે ધ્યાન રાખીને એને ફરીથી તંદુરસ્ત બનાવી દઈશું. 
૧૧ જૂને બૉબે એક રેસ શરૂ કરીને દિવસનાં ૩૮૦ માઇલ્સ જેટલું ઊડીને ગેટ્સહેડ પહોંચવાનું હતું, પરંતુ એણે એક ખોટો વળાંક લેતાં એ અમેરિકાના અલાબામા પહોંચી ગયું હતું. ઍલન જલદી બૉબને લેવા અમેરિકા જવાનું વિચારી રહ્યો છે. ઍલનની વાઇફનો આ કબૂતરની સાથે ખાસ નાતો છે. 

offbeat news