લંડનમાં ગુફા જેટલા ઘરના પહાડ જેવડા ભાવ

20 November, 2021 06:46 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

એક ફ્લૅટમાં તો કિચનને અડીને જ શાવર મૂકેલો દેખાય છે, કહેવાતા લિવિંગરૂમમાં મૂકેલા પલંગ પરથી પગ સીધો કિચનમાં મૂકીને ઊતરી શકાય છે.

લંડનમાં ગુફા જેટલા ઘરના પહાડ જેવડા ભાવ

ઇંગ્લૅન્ડની પાટનગરી અને વિશ્વનાં મહત્ત્વનાં શહેરોમાંનું એક લંડન તોતિંગ ભાવ માટે જાણીતું છે જ. અહીં નાનાં-નાનાં ઘરનાં ભાડાં પણ મોંઘાંદાટ હોવાની બુમરાણ મચતી હોય છે. તાજેતરમાં ભાડા માટે મુકાયેલાં આવાં જ ત્રણ નાનાં ઘરની ચર્ચા જામી છે, કારણ કે ખિસ્સાફાડ ભાડું ઉઘરાવીને પણ આ ઘરમાં ટૉઇલેટ-બાથરૂમની સુવિધા છે કે નહીં એ વિશે સ્પષ્ટતા નથી કરવામાં આવી.
પશ્ચિમ લંડનમાં કૅસલટાઉન રોડ પર આવેલા એક બિલ્ડિંગના ત્રણ નાના સ્ટુડિયો-ફ્લૅટ વેચવા મુકાયા છે. એક ફ્લૅટમાં તો કિચનને અડીને જ શાવર મૂકેલો દેખાય છે, કહેવાતા લિવિંગરૂમમાં મૂકેલા પલંગ પરથી પગ સીધો કિચનમાં મૂકીને ઊતરી શકાય છે. માંડ ૧૦X૧૨ના આ ઘરમાં ટૉઇલેટ હોવાના કોઈ સંકેત દેખાતા નથી અને એ વિશે ‘રાઇટમૂવ’ નામની વેચનારી કંપનીએ કોઈ ઉલ્લેખ પણ નથી કર્યો. મહિને ૮૭૫ યુરો (આશરે ૭૩,૦૦૦ રૂપિયા)ના ભાડે મુકાયેલા આ ફ્લૅટમાં કિચન સાથે જ જોડાયેલા લાગતા શાવરની આસપાસ બાથરૂમનો દરવાજો પણ નથી દેખાતો. કદાચ સવારે બ્રેકફાસ્ટ બનાવતાં-બનાવતાં નાહવાની સુવિધા કરવામાં આવી હોય એવું લાગે. એ જ કંપનીએ આ જ અપાર્ટમેન્ટના આવા જ બીજા બે અદ્ભુત સ્ટુડિયો-ફલૅટ પણ ભાડે મૂક્યા છે. એવો જ બીજો (ટૉઇલેટવિહોણો) ફ્લૅટ આ બિલ્ડિંગમાં ૧૫૦૦ યુરો (આશરે સવા લાખ રૂપિયા)માં ભાડે મુકાયો છે.

offbeat news