છ વર્ષથી હૉસ્પિટલમાં બેઠેલો દરદી 50 લાખ રૂપિયા મળ્યા બાદ ઘરે જવા માન્યો

15 January, 2021 09:26 AM IST  |  Mumbai | Mumbai correspondent

છ વર્ષથી હૉસ્પિટલમાં બેઠેલો દરદી 50 લાખ રૂપિયા મળ્યા બાદ ઘરે જવા માન્યો

છ વર્ષથી હૉસ્પિટલમાં બેઠેલો દરદી 50 લાખ રૂપિયા મળ્યા બાદ ઘરે જવા માન્યો

આપણે મુંબઈની સરકારી કે મહાનગરપાલિકાની હૉસ્પિટલોમાં બેડ-બિછાના ઉપલબ્ધ ન હોય તો લૉબીમાં કે પ્રાંગણમાં પથારી પાથરીને પડેલા દરદીઓ જોયા છે. સારવાર પૂરી થયા પછી પણ પડ્યા રહેલા લોકોના કિસ્સા જાણ્યા છે. ઘરબાર વગરના લોકો મહિનાઓ સુધી ‘અઠે દ્વારિકાધીશ’ કરનારા લોકોના કિસ્સા પણ ચર્ચાયા છે. આવું ફક્ત મુંબઈમાં નહીં, ભારતની ઘણી સરકારી હૉસ્પિટલોમાં બને છે, પરંતુ ચીનની રાજધાની બીજિંગમાં જે બન્યું એ હૉસ્પિટલોમાં પડ્યા રહેતા ખુદાબક્ષોના વિષયમાં જ નહીં, ધરણાં-આંદોલન કરનારાઓના સંદર્ભમાં પણ વિક્રમસમાન કે નોંધપાત્ર ઘટના છે.
૨૦૧૪માં બીજિંગની અગ્રણી હૉસ્પિટલમાં ટિયાન અટક ધરાવતો એક માણસ પહોંચ્યો. તેને ઊબકા-ઊલટીઓ થતી હતી. ચાલતી વખતે શરીરનું સમતોલપણું પણ રહેતું નહોતું. હૉસ્પિટલના ડૉક્ટરોની સારવારથી એ ભાઈ સાજા પણ થયા, પરંતુ તેમને બિલની બાબતે વાંધો પડતાં માતા-પિતાની સાથે હૉસ્પિટલની લૉબીમાં અડ્ડો જમાવીને બેસી ગયા. ઘણું સમજાવવા છતાં ત્યાંથી હટવા તૈયાર નહોતા થતા. અનેક વાર હૉસ્પિટલ મૅનેજમેન્ટે આ પેશન્ટના પરિવારને કોર્ટમાં ઘસડી જવાની કોશિશ કરી, પણ આ પરિવારે કેમેય મચક આપી જ નહીં. આખરે હૉસ્પિટલે આટલાં વર્ષોથી સારવાર અને બેડ ઑક્યુપાય કરવા બદલ થયેલું ૧.૪૨ કરોડ રૂપિયાનું બિલ માફ કર્યું અને ઉપરથી લગભગ ૫૦ લાખ રૂપિયા જેટલી રકમ વળતર પેટે આપી ત્યારે ગયા અઠવાડિયે આ ઝઘડાનું નિવારણ થયું હતું. આ પરિવારને હૉસ્પિટલની ઍમ્બ્યુલન્સમાં તેમના ઘરે મૂકવામાં આવ્યો.

international news offbeat news