સ્ટાર ટ્રૅકની રાઇફલ ખરીદવી છે? હરાજી ૧.૮ કરોડ રૂપિયાથી શરૂ

18 October, 2021 10:49 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

ગેમ ઑફ લાઇફના રચયિતા રુબેન ક્લેમર દ્વારા આ રાઇફલને ડિઝાઇન કરવામાં આવી હતી

યુનિક રાઇફલ

સ્ટાર ટ્રૅક સિરીઝના ચાહકો માટે આ સિરીઝ સાથે જોડાયેલી એક મોંઘેરી ચીજ મેળવવાની તક આવી છે, પણ એ મોંઘેરી તક અત્યંત મોંઘીદાટ છે. એ ચીજ છે માત્ર સ્ટાર ટ્રૅકમાં જોવા મળેલી અને કાલ્પનિક હથિયાર જેવી એક યુનિક રાઇફલ. આ અનોખી બંદૂક સ્ટાર ટ્રૅક ઓરિજિનલ સિરીઝમાં ૧૯૬૬થી ૧૯૬૯ દરમ્યાન પહેલી વાર જોવા મળી હતી, જેમાં વિલિયમ શેટનર ફેઝરે ભજવેલા પાત્ર કૅપ્ટન જેમ્સ કિર્કના હાથમાં આ રાઇફલ હતી.

ગેમ ઑફ લાઇફના રચયિતા રુબેન ક્લેમર દ્વારા આ રાઇફલને ડિઝાઇન કરવામાં આવી હતી. અત્યારે આ રાઇફલ રિયલ એસ્ટેટ ડેવલપર જૉન અઝારિયન પાસે છે, જેમણે ૧૯૯૫ની હરાજીમાંથી એ ખરીદી હતી. રાઇફલ પર સુંદર લાકડાની ગોળાકાર ફિનિશિંગ કરવામાં આવ્યું છે. રંગબેરંગી સજાવેલું બટન, પૅનલ, ગ્રિલ્સ અને ટેલિસ્કોપિક ઍન્ટેના જેવી અન્ય બાબતોમાં પણ અનેક રીતે આ રાઇફલ યુનિક છે. ઘણો સમય થયો હોવા છતાં રાઇફલ એકદમ સુંદર સ્થિતિમાં છે. સાયન્સ ફિક્શન સંગ્રહકારો માટે ટોચની હૉલી ગ્રેઇલ્સમાં આ રાઇફલનો સમાવેશ છે. હેરિટેજ ઑક્શનમાં આ રાઇફલની હરાજી થશે, જેમાં બિડની શરૂઆત ૨,૫૦,૦૦૦ ડૉલરથી એટલે કે અંદાજે ૧.૮ કરોડ રૂપિયાથી કરવામાં આવશે.

offbeat news international news