મધદરિયે માએ બાળકોને બ્રેસ્ટફીડિંગથી જીવતાં રાખ્યાં, પણ પોતે જીવ ગુમાવ્યો

23 September, 2021 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારે વાવાઝોડું આવતાં બોટને ઘણું નુકસાન થયું હતું. મૅરિલીના પતિ રૅમિસ સહિત પાંચ જઈ દરિયામાં ગુમ થઈ ગયા હતા, જ્યારે મૅરિલી બન્ને બાળકો અને હેલ્પર સાથે બોટમાં ટકી રહી હતી.

મધદરિયે માએ બાળકોને બ્રેસ્ટફીડિંગથી જીવતાં રાખ્યાં, પણ પોતે જીવ ગુમાવ્યો

કહેવાય છેને કે મા પોતાના સંતાન માટે જીવ પણ આપી શકે. તાજેતરમાં વેનેઝુએલામાં ખરેખર આવું બની ગયું. મૅરિલી શૅકોન નામની ૪૦ વર્ષની યુવતી પોતાનાં બન્ને બાળકો (૬ વર્ષનો જૉસ અને બે વર્ષની મારિયા)ને લઈને પતિ રૅમિસ અને મહિલા હેલ્પર તથા બીજા કેટલાક સાથે ઍટલાન્ટિક સમુદ્રમાં એક ટાપુ પર ફરવા ગઈ હતી. જોકે તેમની બોટ વંટોળને કારણે મુશ્કેલીમાં મુકઈ ગઈ હતી. ભારે વાવાઝોડું આવતાં બોટને ઘણું નુકસાન થયું હતું. મૅરિલીના પતિ રૅમિસ સહિત પાંચ જઈ દરિયામાં ગુમ થઈ ગયા હતા, જ્યારે મૅરિલી બન્ને બાળકો અને હેલ્પર સાથે બોટમાં ટકી રહી હતી.
જોકે ચોથા દિવસે તેમની પાસે ખાવાનું ખૂટી ગયું હતું. મૅરિલીએ પોતાનામાં ઊર્જા ટકાવી રાખવા પોતાનું યુરિન પીધું હતું તેમ જ બન્ને બાળકોને બ્રેસ્ટફીડિંગ કરાવડાવીને તેમની ભૂખ મિટાવવાનો બને એટલો પ્રયત્ન કર્યો હતો. વાસ્તવમાં મૅરિલીએ તેનાં બન્ને બાળકોને જીવતાં રાખ્યાં હતાં. જોકે ભૂખ તથા ડીહાઇડ્રેશનને કારણે તેમ જ ધોમધખતા સૂરજનાં તીવ્ર કિરણોથી દાઝી જવાને કારણે ખુદ મૅરિલી બેહોશ થઈ ગઈ હતી અને વધુ સમય જતાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. નજીકના ટાપુના સત્તાવાળાઓને આ બોટની હોનારતની મહિતી મળતાં તેમણે બચાવકાર્ય માટે માણસો મોકલ્યા હતા. બચાવ-કાર્યકરોનું જહાજ બોટની નજીક આવ્યું ત્યારે તેમણે જોયું કે બન્ને બાળકો તેમની મમ્મીનું પાર્થિવ શરીર પકડીને બેઠાં હતાં. મૅરિલી તેમ જ બેઉ બાળકો અને મહિલા હેલ્પરને તરત હૉસ્પિટલ લઈ જવાયાં હતાં જ્યાં ડૉક્ટરે મૅરિલીને મૃત જાહેર કરી હતી. બાળકો અને મહિલા હેલ્પરની તબિયત માત્ર થોડી બગડી હતી અને તેઓ જીવતાં રહ્યાં હતાં.

offbeat news