લાંબી ટ્રકે પાછળથી લાઇનબંધ કારને સપાટામાં લઈ લીધી

24 September, 2021 01:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમુક કાર તો દૂર ફેંકાઈ ગઈ હતી. સિગ્નલ ખૂલવાની રાહ જોઈને બેઠેલા ઘણી કારના ડ્રાઇવરોને ઓચિંતું શું બની ગયું એની ખબર જ ન પડી. નસીબથી મોટો અકસ્માત નહોતો થયો અને બધા બચી ગયા હતા.

લાંબી ટ્રકે પાછળથી લાઇનબંધ કારને સપાટામાં લઈ લીધી

લાખો લોકોની વસ્તી ધરાવતા શહેરના સૌથી બિઝી રોડ પર ટ્રાફિક જૅમમાં કાર લાઇનબંધ ઊભી હોય તો સ્વાભાવિક છે કે દરેક કારના ડ્રાઇવર અને એમાં બેસેલા લોકો ગ્રીન સિગ્નલની રાહ જોતા હોય અને તેમનું ધ્યાન આગળ જ હોય, પરંતુ ચીનના ફુજિયાન પ્રાંતના સેન્મિંગ શહેરની તાજેતરની ઘટના અચંબામાં મૂકી દેનારી છે. એમાં જ્યારે રેડ સિગ્નલ હોવાને કારણે કારની લાઇન લાગી હતી ત્યારે એમાંની કેટલીક કારને પાછળથી એક લાંબી ટ્રકે સપાટામાં લઈ લીધી હતી.
વાઇરલ થયેલા વિડિયોમાં એક બ્લૅક કારથી ઘટનાની શરૂઆત થઈ હતી. એનો ડ્રાઇવર ટ્રાફિક કેમ અટકી ગયો એ જોવા પોતાની કારના દરવાજા પાસે ઊભો હતો ત્યારે નસીબજોગ અચાનક તેણે પાછળ જોયું તો તેને મોટો અવાજ સંભળાયો અને જોતજોતામાં તેની કાર સાથે પાછળની કાર ટકરાઈ હતી અને તે પોતે નજીકના કૉન્ક્રીટ પર જતો રહ્યો હતો. ખરેખર તો ભારેખમ મશીનો લઈ આવતી લાંબી ટ્રક એક કાર સાથે ટકરાઈ હતી અને ત્યાર પછી લાઇનબંધ કારને ટક્કર વાગતાં કારની લાઇન અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. અમુક કાર તો દૂર ફેંકાઈ ગઈ હતી. સિગ્નલ ખૂલવાની રાહ જોઈને બેઠેલા ઘણી કારના ડ્રાઇવરોને ઓચિંતું શું બની ગયું એની ખબર જ ન પડી. નસીબથી મોટો અકસ્માત નહોતો થયો અને બધા બચી ગયા હતા. એક કારનું બોનેટ એટલું બધું નાશ પામ્યું હતું કે એના ડ્રાઇવરે વિન્ડસ્ક્રીન તોડીને બહાર આવવું પડ્યું હતું.

offbeat news