કમ્બોડિયાની નદીમાં મળી ડંખ મારતી સૌથી વિશાળ પૂંછડાવાળી સપાટ માછલી

22 June, 2022 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કમ્બોડિયાના ૪૨ વર્ષના માછીમાર મૌલ થુન જાણતો હતો કે તેણે પહેલી વખત આટલી મોટી સ્ટિંગ-રે (ડંખ મારતી પૂંછડાવાળી સપાટ માછલી) પકડી છે.

કમ્બોડિયાની નદીમાં મળી ડંખ મારતી સૌથી વિશાળ પૂંછડાવાળી સપાટ માછલી

કમ્બોડિયાના ૪૨ વર્ષના માછીમાર મૌલ થુન જાણતો હતો કે તેણે પહેલી વખત આટલી મોટી સ્ટિંગ-રે (ડંખ મારતી પૂંછડાવાળી સપાટ માછલી) પકડી છે. જોકે તેને એ નહોતી ખબર કે મેકોંગ નદીમાંથી પકડેલી આ માછલી વિશ્વની સૌથી મોટી તાજા પાણીની માછલી હશે. છેલ્લા બે દાયકાથી નદીઓની મોટી માછલીની વિગત ભેગી કરનાર ઝેબ હોગાન નામના સંશોધનકાર આ માછલી જોઈને ખુશ થઈ ગયા. તેમણે આ માછલીને ફરી નદીમાં છોડી દીધી હતી, પરંતુ એ પહેલાં એને સરખી રીતે માપી લીધી હતી. હોગાન દ્વારા મેગા ફિશ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેને નૅશનલ જ્યૉગ્રાફિક સોસાયટીનો સહકાર મળ્યો છે. હોગાન આવાં વિશાળકાય પ્રાણીઓની શોધમાં સમગ્ર વિશ્વભરમાં ફરતા હોય છે. નૅશનલ જ્યૉગ્રાફિક ટેલિવિઝન પર તેઓ મૉન્સ્ટર ફિશ શો પણ કરે છે. ગયા સપ્તાહે તેમને આ મોટી માછલી પકડાઈ હાવાનો ફોન આવ્યો હતો. આ માછલી ૧૩ ફુટ લાંબી છે અને એનું વજન ૬૬૧ પાઉન્ડ એટલે ૨૯૯.૮૨૫ કિલો છે, જેણે વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. મીઠા પાણીમાં હવે આ પ્રકારની માછલી મળતી નથી. પાણીના પ્રદૂષણ તેમ જ ડૅમને કારણે એમનું જીવનચક્ર પૂર્ણ થતું નથી. હોગાન આવાં પ્રાણીઓના સંવર્ધન માટે કામ કરે છે. હોગાનને આર્જેન્ટિનામાંથી આવી જ ૪૦૦ પાઉન્ડની એટલે ૧૮૧.૪૩૭ કિલોની એક માછલી મળી હતી, પરંતુ એને ખબર હતી કે સૌથી મોટી માછલી સાઉથ એશિયામાં જ મળે છે એથી તેણે બૅન્ગકૉકની આસપાસની નદીઓમાં શોધખોળ ચાલુ રાખી હતી. એ દરમ્યાન તેમની ટીમે કેટલીક સ્ટિંગ-રે માછલીઓ પકડી હતી, પરંતુ તેઓ એનું ચોક્કસ વજન કરી શક્યા નહોતા. થાઇલૅન્ડની નદીમાં ૨૦૧૬માં કેમિકલ ઢોળાતાં અંદાજે ૭૦ વિશાળ સ્ટિંગ-રે માછલીઓ મરી ગઈ હતી. ત્યાર બાદ ત્યાં બહુ ઓછી માત્રામાં આવી માછલીઓ જોવા મળી છે.

offbeat news