પોલૅન્ડના એક ગામમાં દાયકા પછી પહેલો દીકરો જન્મ્યો

09 May, 2020 09:56 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

પોલૅન્ડના એક ગામમાં દાયકા પછી પહેલો દીકરો જન્મ્યો

દાયકામાં પહેલો દીકરો જન્મ્યો

પોલૅન્ડના નૈર્ઋત્ય પ્રાંતના મિયેસ્કે ઓદ્રાન્સ્કી ગામમાં ૨૦૧૦થી એક પણ સગર્ભા મહિલાએ પુત્રને જન્મ આપ્યો નહોતો. યોગાનુયોગ એ ગામમાં છેલ્લાં ૧૦ વર્ષમાં ફક્ત દીકરીઓના જન્મ થતા હતા એથી ગામના મુખિયાએ ગયા વર્ષે દીકરાને જન્મ આપનારી મહિલા-દંપતીને ઇનામની જાહેરાત કરી હતી. ઍના મિલેક નામની મહિલાએ બીજી મેએ દીકરાને જન્મ આપ્યો હતો. બાળકનું નામ બાર્તેક પાડવામાં આવ્યું છે. બાર્તેકના જન્મ વખતે ઍના મિલેકને તકલીફ ઊભી થતાં તેની લાઇફ સેવિંગ સર્જરી કરવામાં આવી હતી. ગામના મુખિયા રેજમન્ડ ફ્રિસ્કોએ જાહેરાત કરી હતી કે ગયા વર્ષે દીકરાને જન્મ આપનાર યુગલ માટેના ઇનામની ઑફર યથાવત્ છે. કોરોનાનો કાળ સમાપ્ત થતાં એ મહિલા અને તેના પતિને ઇનામ આપવામાં આવશે. ૩૦૦ જણની વસ્તી ધરાવતા ખેડૂતોના આ ગામમાં ગયા મહિને ૧૩મી કન્યાનો જન્મ થતાં લોકોનું ટેન્શન વધી ગયું હતું. કન્યાઓ પરણીને સાસરે જતી રહેતી હોવાથી ગામની વસ્તીમાં ઘટાડાની ચિંતા લોકોને સતાવતી હતી. એ સ્થિતિમાં લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.

કોઈ એક પ્રાંતમાં આટલો લાંબો વખત ફક્ત કન્યાઓના જન્મની ઘટના ૪૦૦૦ કિસ્સામાં એક વખત બનતી હોવાનું આંકડાશાસ્ત્રીઓ માને છે. છેલ્લા એક દાયકામાં ચિંતાઓની વચ્ચે ઇચ્છિત સંતાનપ્રાપ્તિ એટલે કે દીકરાના જન્મ માટે તરેહ-તરેહની સલાહથી ગામના લોકો પરેશાન હતા. કોઈ કહેવાતા નિષ્ણાતે ગામની પરિણીત મહિલાઓને કૅલ્શિયમવાળા આહારનું પ્રમાણ વધારવા અને કોઈ કથિત નિષ્ણાતે સમયાંતરે મહિલાઓના શરીરનું આંતરિક ઉષ્ણતામાન માપીને એના આધારે સારવાર કરવાની સલાહ આપી હતી. જોકે ગયા શનિવારે ઍના મિલેકની કૂખે પુત્રજન્મ થતાં ગામના લોકોમાં આશાનો સંચાર થવાની સાથે વણમાગી સલાહ અને ઊંટવૈદાની ચર્ચાઓ પણ બંધ થઈ ગઈ છે.

international news offbeat news