આ પરિવાર ઝાડુ વિના ઘરની બહાર પગ મૂકી શકતો નથી

03 July, 2022 02:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પરિવારે જણાવ્યું કે તેમના ઘરની છત લીક થતી હોવા છતાં પક્ષીઓના આક્રમણના ભયે કોઈ એના રિપેરિંગ માટે આવવા તૈયાર નથી. સીગલ ર​ક્ષિત પક્ષી ગણાય છે, પણ હાલના તબક્કે એનાથી આ પરિવારને રક્ષણની જરૂર છે.

આ પરિવાર ઝાડુ વિના ઘરની બહાર પગ મૂકી શકતો નથી

લગભગ બે વર્ષ પહેલાં ડેવ બેકર અને તેના પરિવારજનો કિન્મેલ બે અને કોનવે વેલ્સના પોતાના બંગલામાં રહેવા ગયા ત્યારે આ પરિવારને કલ્પના નહોતી કે તેમનું ઘર સીગલના પ્રજનન માટેનું સ્થાન બની ગયું છે. આ પરિવારનું કહેવું છે કે અમારે ઘરની બહાર નીકળતાં પહેલાં સીગલ નજીકમાં ન હોવાની ખાતરી કરવી પડે છે અને જો એ જોવા મળે તો અમારા રક્ષણ માટે ઝાડુ લઈને નીકળવું પડે છે. ઘણી વાર આ પક્ષી કોઈ દેખાવાની રાહ જોતાં બેઠાં હોય છે, એને કારણે બહારથી આવનાર વ્યક્તિએ ઘરના લોકોને જાણ કરીને આવવું પડે છે. ૪૩ વર્ષના ડેવ બેકર, તેમની ૪૧ વર્ષની પત્ની નિક્કી અને ૧૦ વર્ષની પુત્રી કૅટરિના તેમના આવવા-જવાના સમયે સીગલ આસપાસ ન હોય એની ખાતરી કર્યા બાદ જ નીકળે છે. 
સામાન્ય રીતે સીગલ ઘણું શાંત પક્ષી મનાય છે, પરંતુ તે બચ્ચાં સેવવાના સમયે પોતાના રક્ષણ માટે આક્રમક બની જાય છે. આ ઘરમાં એણે બચ્ચાં સેવ્યાં હોવાથી તેમને માટે એ વિશેષ મહત્ત્વનું બની રહેતાં આ પક્ષીને એ ઘરમાં અન્ય કોઈ રહે એ ગમતું નથી. માણસો તો જવા દો, સીગલ પક્ષી પરિવારના ડૉગી પર પણ હુમલો કરવાનું ચૂકતાં નથી. ઘરમાં લેટર્સ પહોંચાડનાર પોસ્ટમૅન પર પણ આ સીગલ હુમલો કરી ચૂક્યાં છે. લગભગ એકાદ વર્ષ પહેલાં સીગલનું બચ્ચું છત પરથી પડી જતાં એની પાંખને ઈજા પહોંચ્યા બાદ આ ઘટના માટે ડેવ બેકરનો પરિવાર અને તેના ડૉગીને જવાબદાર માનીને સીગલ હુમલા કરી રહ્યાં છે. આ પરિવારે જણાવ્યું કે તેમના ઘરની છત લીક થતી હોવા છતાં પક્ષીઓના આક્રમણના ભયે કોઈ એના રિપેરિંગ માટે આવવા તૈયાર નથી. સીગલ ર​ક્ષિત પક્ષી ગણાય છે, પણ હાલના તબક્કે એનાથી આ પરિવારને રક્ષણની જરૂર છે.

offbeat news