માલિક સાથે પંઢરપુર આવેલો કૂતરો ભૂલો પડ્યો

01 August, 2024 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૫૦ કિલોમીટર ચાલીને એકલો કર્ણાટક પાછો પહોંચ્યો

મહારાજ ડૉગ

પ્રાણીઓની, ખાસ કરીને કૂતરાંની છઠ્ઠી ઇન્દ્રીય બહુ જ સતેજ હોવાનું ઘણી વાર સાંભળ્યું છે, પરંતુ કર્ણાટકના એક ગામના લોકોએ જોયું પણ ખરું. બન્યું એવું કે બેલગાવી જિલ્લાના કમલેશ કુંભર જૂનના છેલ્લા અઠવાડિયામાં મહારાષ્ટ્રના તીર્થસ્થાન પંઢરપુરની જાત્રા કરવા નીકળ્યા હતા. તેમનો પાલતુ શ્વાન મહારાજ પણ સાથે ચાલી નીકળ્યો. ૨૫૦ કિલોમીટરની યાત્રામાં વિઠોબા મંદિરનાં દર્શન કર્યા પછી મહારાજ ખોવાઈ ગયો. કુંભરે આસપાસ બહુ તપાસ કરી, લોકોને પૃચ્છા કરી, પરંતુ ક્યાંયથી કૂતરાની ભાળ ન મળી. કૂતરો કોઈ મંડળી સાથે જતો રહ્યો હોવાનું કોઈએ કહેતાં કુંભર નિરાશ થઈ પાછા જતા રહ્યા. બીજા દિવસે તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. ઘરની સામે તેમનો વહાલો મહારાજ બેઠો હતો. તેમના કહેવા પ્રમાણે આ ઈશ્વરનો ચમત્કાર છે. ભગવાન પાંડુરંગના માર્ગદર્શનથી મહારાજ પાછો આવી ગયો છે. ઘટનાને ચમત્કારિક ગણીને ગામલોકોએ કૂતરાનું ફૂલહારથી સ્વાગત કર્યું, ગામમાં યાત્રા પણ કાઢી અને ભોજનસમારંભ પણ યોજ્યો હતો.

karnataka national news religious places offbeat news maharashtra news