૯ મહિનાના બાળક સાથે આ યુગલ ૧૦૦ દિવસ નિર્જન ટાપુ પર રહ્યું

01 June, 2020 09:08 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

૯ મહિનાના બાળક સાથે આ યુગલ ૧૦૦ દિવસ નિર્જન ટાપુ પર રહ્યું

ટાપું પર રહ્યો આ પરિવાર

અમેરિકાનું સાગરખેડુ દંપતી કોરોના લૉકડાઉનના માહોલમાં દૂરના ટાપુ પર પડી રહ્યું છે. અમેરિકાના બ્રાયન ટ્રોટમૅન અને તેની સ્વીડિશ પત્ની કરિન ૯ મહિનાની બાળકી સિયેરા સાથે અજાણ્યા પ્રદેશમાં રઝળી પડ્યાં છે. લૉકડાઉનમાં આઇસોલેશન માટે આ યુગલ લગભગ ૧૦૦ દિવસથી બહામાના એક નિર્જન ટાપુને કિનારે બોટ સાથે પહોંચી ગયું હતું. હવે એ ભૌગોલિક ક્ષેત્રમાં વાવાઝોડાની મોસમ શરૂ થતી હોવાથી બન્નેએ બીજા કોઈક ઠેકાણે શિફ્ટ થવું પડશે. આ દંપતી સેઇલિંગ બોટ દ્વારા મહાસાગરનો પ્રવાસ ખેડે છે અને ક્રાઉડ ફન્ડિંગ દ્વારા ટ્રાવેલ વિડિયો બ્લૉગ ચલાવે છે. દરરોજ દરિયામાંથી માછલી કે અન્ય જીવો ખોરાક માટે પકડે છે. એ ખોરાકને પકવવા તથા લાઇટ-પંખાની વીજળી માટે એ દંપતી સૂર્યપ્રકાશ અને પવન દ્વારા ઊર્જા મેળવે છે. ડિસેલિનેશન પ્લાન્ટ દ્વારા દરિયાના પાણીની ખારાશ દૂર કરીને પીવાલાયક બનાવવું વગેરે અનેક અઘરાં કામ વચ્ચે બાળકના ડાયપર્સ બદલવા તથા અજાણ્યા પ્રદેશમાં તેના આરોગ્યની કાળજી રાખવાની જવાબદારી એ દંપતી પાર પાડે છે. ક્યારેક ટમેટાં અને આવાકાડો જેવાં ફળ અને શાકભાજી મળે તો એ પણ રાંધીને ખાય છે. આમ તો આ જગ્યાએ બધું ફાવી ગયું છે. માનવવસ્તીથી એટલાબધા દૂર આઇસોલેશનમાં છે કે તેમને કોવિડ-19નો ચેપ લાગવાની શક્યતા નહીંવત્ છે, પરંતુ જો કોરોનાનો ચેપ લાગે કે અન્ય કોઈ બીમારી આવે તો જ્યાં તબીબી સારવાર મળે છે એ ઠેકાણે પહોંચવા માટે ત્રણ દિવસ પ્રવાસ કરવો પડે એમ છે. આમ તો યુગલને અહીંથી નીકળી જવાની ઉતાવળ નથી, પરંતુ હવે જૂન મહિનામાં વાર્ષિક ‍ઍટલાન્ટિક હરીકેન (વાવાઝોડા)ની સીઝન શરૂ થતી હોવાથી એ દંપતીએ લાંગરેલી બોટને છોડીને અમેરિકાના સુરક્ષિત કાંઠા તરફ આગળ વધવાની ફરજ પડશે, કારણ કે અત્યારે એ લોકો જે ઠેકાણે બોટ લાંગરીને રહે છે એ જગ્યાએ ભૂતકાળમાં વાવાઝોડાની ગંભીર અસર થઈ ચૂકી છે.

international news offbeat news